દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરૂકુળમાં ધો.૧૨ના વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર કાર્યક્રમ યોજાયો
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં દ્રોણેશ્વર સ્વામિનારાયણ ગુરુકુલમાં ધો.૧૨ ના વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર યોજાયો હતો.
પ્રથમ સમાવર્તિત વિદ્યાર્થીઓએ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા અન્ય સંતોને હાર પહેરાવી, વસ્ત્ર ઓઢાડી, ચંદનની અર્ચા કરી, પૂજન કર્યું હતું. સંતોએ પણ દરેક વિદ્યાર્થીઓને કપાળે ચંદનની અર્ચા કરી, રક્ષા સુત્ર બાંધી આશીર્વાદ આપ્યા હતા.
શાળાના પ્રિન્સીપાલ મહેશભાઇ જોષીએ તમામ સમાવર્તિત વિદ્યાર્થીઓએ સંસ્થામાં રહી મેળવેલી વિશિષ્ટ સિદ્ધિઓ તથા તેમણે કૌશલ્ય પ્રાપ્ત કરેલી સેવા પ્રવૃત્તિઓની વેગિત આપી ત્યારે વાલીઓએ દરેક વિદ્યાર્થીઓને તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા.
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે તમામ ૧૨ મા ધોરણના સમાવર્તીત વિદ્યાર્થીઓને સન્માન પત્ર એનાયત કરવામાંં આવેલ. તમામ વિદ્યાર્થીઓ તરફથી સ્મૃતિ રુપે શાળાને એક ડીઝીટલ ઘડિયાળ પણ સમર્પિત કરવામાં આવેલ.
આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે તમો અહીં અભ્યાસ પૂર્ણ કરી વધુ પ્રગતિના પંથે જઇ રહ્યા છો ત્યારે આ ગુરુકુલ સંસ્થા તમારી માતૃ સંસ્થા છે, તેને ક્યારેય ભૂલશો નહીં
કોઠારી નરનારાયણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આપ સર્વે બહારના ક્ષેત્રમાં જઇ રહ્યા છો, ત્યારે માતા પિતાની આજ્ઞામાં રહીને ન્યાય, નીતિ અને સદાચારના માર્ગે આગળ વધજો. ભગવાનમાં નિષ્ઠા રાખવાથી કોઇ મુશ્કેલી પડતી નથી.
આ પ્રસંગે ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી, હરિદર્શનદાસજી સ્વામી, હરિપ્રિયદાજી સ્વામી, ધીરુભાઇ ખોખર, શામજીભાઇ કીડેચા વગેરે ગ્રામ્યવિસ્તારમાંથી મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન શાળાના આચાર્ય શ્રી મહેશભાઇ જોષીએ સંભાળ્યું હતું.
ધોરણ ૧૨માં ભણતી બહેનોના સમાવર્તન સંસ્કાર વિભાગ શિક્ષકા બહેનોએ સંભાળ્યો હતો.