વહીવટી તંત્રની ટીમ, આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસ તંત્ર રહેશે ખડેપગે પાંચ દિવસીય લોકમેળા માટે હાલ પૂરજોશમાં ચાલતી તૈયારીઓ
રેસકોર્ષ મેદાનમાં તા.૨૨ થી ૨૬ ઓગષ્ટ દરમિયાન લોકમેળો મલ્હાર યોજાનાર છે. આ મેળામાં વહીવટી તંત્રની ટીમ, આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસ તંત્ર ખડે પગે રહેવાનું છે. વધુમાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા આ મેળાને ટોબેકો ફ્રી મેળો જાહેર કરવામાં આવ્યો છે.
રેસકોર્ષ મેદાનમાં જન્માષ્ટમી નિમિતે યોજાતા લોકમેળામાં સૌરાષ્ટ્રભરની જનતા લાખોની સંખ્યામાં ઉમટી પડે છે. આગામી તા.૨૨ થી ૨૬ દરમિયાન આ લોકમેળો યોજાનાર છે. જેને મલ્હાર નામ આપવામાં આવ્યું છે. આ મેળાનું સંચાલન લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા કરવામા આવી રહ્યું છે. હાલ મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જો કે વિવાદને કારણે યાંત્રીક રાઈડનાં પ્લોટની હરરાજીમાં વિલંબ થયો છે. આવતીકાલે હરરાજીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
બાદમાં પ્લોટની ફાળવણી પણ કરી દેવામાં આવશે. આ લોકમેળાને લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી ચૌહાણ દ્વારા ટોબેકો ફ્રી જાહેર કરવામાં આવ્યો છે. જેથી મેળામાં ટોબેકો લઈ જવા ઉપર કે ટોબેકોના વેચાણ ઉપર પ્રતિબંધ રહેવાનો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ગોરસ લોકમેળાને ટોબેકો ફ્રી જાહેર કરવામાં આવ્યો હતો.