મેળામાં 57 રાઈડ્સ, 33 કોર્નર, 14 આઈસ્ક્રીમના મંડપ અને 36 સંસ્થાઓના સહિત કુલ 352 સ્ટોલ હશે
25 જૂને વ્યવસ્થા સંદર્ભે વહીવટી તંત્રની બેઠક: શહેર-1 પ્રાંત અધિકારી ડી.પી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગોઠવાતી વ્યવસ્થા
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટના લોકલાડીલા એવા લોકમેળાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આગામી તા.22 થી 26 ઓગષ્ટ દરમિયાન લોકમેળો યોજાવાનો છે જેની વ્યવસ્થા સંદર્ભે 26 જૂને વહીવટી તંત્રની બેઠક પણ યોજાવાની છે. આ લોકમેળામાં 57 રાઈડ્સ, 14 આઈસ્ક્રીમ મંડપ અને 36 સંસ્થાઓના સ્ટોલ મળી કુલ 352 સ્ટોલને મંજૂરી આપવામાં આવનાર છે. ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટીએ પણ લોકમેળા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
સાતમ-આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા લોકમેળાનું જાજરમાન આયોજન થતું હોય છે. રેસકોર્સના વિશાળ ગ્રાઉન્ડમાં દર વર્ષે યોજાતો હોય છે. આ મેળાની વહીવટી તંત્ર દ્વારા તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મેળો તા.22 થી 26 ઓગષ્ટ દરમિયાન યોજાવાનો હોવાનું વહીવટી તંત્રએ જાહેર કર્યું છે. આ મેળામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકો ઉમટી પડતા હોય છે ત્યારે આ વિશાળ લોકમેળાની અગાઉથી જ તૈયારી કરવી પડતી હોય છે જેથી મેળાને હજુ બે મહિનાની વાર છે તેમ છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ મેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ લોકમેળામાં પાંચ દિવસ સુધી ચાલવાનો છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડવાના છે. મેળામાં 57 યાંત્રીક રાઈડ્સ, 33 કોર્નર, 14 આઈસ્ક્રીમ મંડપ અને 36 સંસ્થાઓના સ્ટોલ સહિત કુલ 352 સ્ટોલ ઉભા કરવામાં આવશે. જે માટેની કાર્યવાહી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત લોકમેળાની વ્યવસ્થા સંદર્ભે આગામી તા.25 જૂનના રોજ વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અધિકારીઓ દ્વારા જરૂરી નિર્ણયો લેવામાં આવનાર છે.
લોકમેળાનું આયોજન શહેર-2 પ્રાંત અધિકારી ડી.પી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે આ લોકલાડીલા લોકમેળાનું નામ જાહેર જનતા સુચવતી હોય છે. દર વર્ષે લોકો પાસેથી નામ મંગાવવામાં આવે છે બાદમાં જે નામ સર્વેશ્રેેષ્ઠ હોય છે તે નામ રાખવામાં આવે છે અને આ નામ આપવાવાળાને પુરસ્કાર પણ આપવામાં આવે છે.
ગત વર્ષે લોકમેળાનું નામ ‘ગોરસ’ રાખવામાં આવ્યું હતું. આ લોકમેળાથી લોક મેળા આયોજન સમીતીને અંદાજે 2.33 કરોડનો નફો થયો હતો. જેમાંથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત અનેક જગ્યાએ અનુદાન પણ આપવામાં આવ્યું હતું.