અખિલ ભારતીય ઔદીચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ ફેડરેશન દ્વારા સુપ્રસિઘ્ધ લોકગાયક નીલેશ પંડયાને ‘કલા સાધના’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગરવા ગિરનારની ગોદમાં પ્રેરણાધામ ખાતે અખિલ ભારતીય ઔદીચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ ફેડરેશનનું દ્વિદિવસીય મહાસંમેલન પ્રમુખશ્રી કિશોરભાઈ મહેતા, અગ્રણીઓ શ્રી હિતેશભાઈ પંડયા તથા શ્રી શૈલેષભાઈ જોશીની નિશ્રામાં મળી ગયું. જેમાં સુપ્રસિઘ્ધ લોકગાયક નીલેશ પંડયાની લોકસંગીત વિષયક સિદ્ધિઓને ધ્યાને લઈ ‘કલા સાધના’ એવોર્ડ અને ‘સિદ્ધિ વંદના’ સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે નીલેશ પંડયા છેલ્લા ૨૫ વર્ષથી લોકસંગીતની સાધના કરી રહ્યા છે, ખાસ તો યુવાધન લોકસંગીતમાં રસ લેતું થાય એ માટે ગુજરાતની અડધો ડઝન યુનિવર્સિટીઓ, ૨૦૦થી વધુ કોલેજના અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓ સમક્ષ લોકસંગીત પીરસી ચુકયા છે.
વળી ગુજરાતી સાહિત્યમાં લોકગીતોનાં રસદર્શનનાં પુસ્તકો ‘રેર’ છે ત્યારે ગુજરાત સરકારે માહિતી ખાતાના પ્રકાશનમાં શ્રી પંડયાનું ‘ચાંદો ઉગ્યો ચોકમાં’ પુસ્તક પ્રકાશિત કર્યું છે જેને અપ્રતિમ પ્રતિસાદ મળ્યો છે.