પ્લાસ્ટીક ફ્રી જાહેર થયેલા ગોરસ લોકમેળામાં પ્લાસ્ટીકનો બેફામ વપરાશ થયો: પ્લાસ્ટીકના પાનપીસમાં બનાવાયેલા માવાનું ધુમ વેચાણ
રાજકોટનાં રેસકોર્ષ મેદાનમાં આયોજિત ગોરસ લોકમેળાનું ગઈકાલે સમાપન થયું છે ત્યારે આજે રેસકોર્ષનાં મેદાનમાં ઠેકઠેકાણે ગંદકીના ગંજ જોવા મળ્યા છે. ‘પ્લાસ્ટીક ફ્રી’ જાહેર કરવામાં આવેલા આ મેળામાં પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થયો હોવાનું પણ સામે આવ્યું છે. મેળામાં પ્લાસ્ટીકના પાનપીસમાં વીટેલી ફાકીનું ધુમ વેચાણ પણ થયું હતું. રાજકોટનાં રેસકોર્ષ મેદાનમાં જીલ્લા વહિવટી તંત્ર દ્વારા ગોરસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસીય લોકમેળાનું ગઈકાલે સમાપન થયું હતું. પાંચ દિવસ દરમિયાન લોકમેળાની ૧૦ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. મેળા દરમિયાન થોડા જ વરસાદમાં કીચડના થર જામ્યા હતા ત્યારે રાજકોટની ઉત્સવપ્રિય જનતાએ ગારો ખુંદીને પણ મેળાનો લ્હાવો હોંશભેર લીધો હતો.
તંત્ર દ્વારા ગોરસ લોકમેળાને પ્લાસ્ટીક ફ્રી જાહેર કરવામાં આવ્યો હતો તેમ છતાં મેળામાં પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત મેળામાં પ્લાસ્ટીકનાં પાનપીસમાં વીંટેલા માવાનું ખુલ્લેઆમ ધુમ વેચાણ થયું હતું.
માવાનાં ખુલ્લેઆમ વેચાણ સામે જવાબદાર ફરજ પરના અધિકારીઓએ પણ આંખ મીચામણા કર્યા હતા. મેળાનું ગઈકાલે સમાપન થતા આજે સવારે રેસકોર્ષનાં મેદાનમાં ગંદકીના ગંજ જામેલા મળ્યા હતા. મેદાનમાં ઠેકઠેકાણે કચરાના ઢગલા એકત્ર થયા હતા. જેમાં પ્લાસ્ટીકનો કચરાનો ઢગલો પણ મોટાપ્રમાણમાં જોવા મળ્યો હતો.