લોકસાહિત્યમાં ઉત્તમ પ્રદાન બદલ પૂ.મોરારિબાપુના હસ્તે મજાદર ( કાગધામ) ખાતે એવોર્ડ અપાયો
ગુજરાતી લોકસાહિત્યનો પ્રતિષ્ઠિત ‘કાગ એવોર્ડ’ વિશ્વ સંત પૂ.મોરારિબાપુના શુભ હસ્તે સુપ્રસિદ્ધ લોકગાયક નીલેશ પંડ્યાને એનાયત થયો.
ગુજરાતી લોકસાહિત્યના વિદ્વાન કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિ ફાગણ સુદ ચોથ એટલે કે ‘કાગ ચોથ’ના દિને પૂ.મોરારિબાપુ પ્રેરિત ‘કાગ એવોર્ડ’ કવિ કાગ બાપુના વતન મજાદર (કાગધામ) ખાતે સુપ્રસિદ્ધ લોકગાયક નીલેશ પંડ્યાને એનાયત થયો.પૂ.બાપુના હસ્તે એવોર્ડ સાથે શાલ ઓઢાડી સન્માન કરાયું અને રુ.51000/ની ધનરાશિ અર્પણ કરવામાં આવી હતી.
આ તકે પૂ.બાપુએ નીલેશ પંડ્યાના લોકસંગીતના ગાયન,સંશોધન,લેખનની પ્રશંસા કરી હતી.ઉલ્લેખનીય છે કે નીલેશ પંડ્યા છેલ્લાં ઘણાં વર્ષોથી કોલેજો અને યુનિવર્સિટીઝમાં યુવા શ્રોતાઓ સમક્ષ લોકસંગીતના કાર્યક્રમો આપી તેમને લોકસંગીતમાં રસ લેતા કરવા પ્રયાસ કરી રહ્યા છે.તેમનાં લોકસાહિત્ય અને લોકસંગીત વિષયક પુસ્તકો ખૂબ જ લોકપ્રિય થયાં છે.તાજેતરમાં જ તેમને ગાંધીનગરમાં ‘અતુલ્ય વારસો આઇડેન્ટિટી’ એવોર્ડ,રાજકોટમાં ‘પ્રાઈડ ઓફ રાજકોટ’ એવોર્ડ પણ એનાયત થયા છે.
ખામટા મહિલા કોલેજના પ્રો.અંબર પંડ્યાએ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પેપર પ્રસ્તુત કર્યું
વિદ્યાનગર ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં ‘ફિલ્મ સ્ટડીઝ એઝ મેસેન્જર ફોર સોસાયટી’ શીર્ષક પર પેપર તૈયાર કર્યું હતું: વિશ્વના 30 દેશોના અંગ્રેજીના વિદ્વાનો જોડાયા
પડધરી નજીકના ખમટા ગામસ્થિત શ્રીમતી મોતીબેન જાદવજીભાઈ માલાણી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહિલા કોલેજના અંગ્રેજીના અધ્યાપક અંબર પંડ્યાએ વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયેલી ‘સોસ્યો કલ્ચરલ ડાયમેન્શન્સ ઓફ ઈંગ્લીશ સ્ટડીઝ’ વિષયક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પેપર પ્રેઝન્ટ કર્યું હતું.
ઇન્ટરનેશનલ એલાયન્સ ઓફ એકેડેમીશ્યન્સ એન્ડ રીસર્ચર્સ,એચ.એમ.પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ઈંગ્લીશ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ તથા વેદાંત નોલેજ સીસ્ટમ પ્રા.લિ.ના યજમાનપદે વિદ્યાનગર ખાતે યોજાયેલી આ કોન્ફરન્સમાં પ્રો.અંબર પંડ્યાએ ‘ફિલ્મ સ્ટડીઝ એઝ મેસેન્જર ફોર
સોસાયટી’ વિષય પર પોતાનું પેપર પ્રસ્તુત કરી ફિલ્મોના માધ્યમથી કોઈપણ રચનાત્મક સંદેશો સરળતાથી સમાજ સુધી પહોંચાડી શકાય છે એ પ્રતિપાદિત કર્યું અને ખાસ તો અનેક પુસ્તકો જે સંદેશ ન આપી શકે એ સંદેશો ફિલ્મના માધ્યમથી સમાજના દરેક વર્ગને કેવો અસરકારકરીતે આપી શકાય છે એ વાત સમજાવી હતી.
ઉલ્લેખનીય છે કે વિશ્વના 30 દેશોના અંગ્રેજી ભાષાના અભ્યાસુઓ અને સંશોધકો આ કોન્ફરન્સમાં સામેલ થયા હતા.