રાજકોટ જિલ્લામાં 35 થી વધુ કલાકારો દ્વારા ડાયરા, સંત વાણી, પપેટ શો સહિતના કાર્યક્રમોનું આયોજન
આજના શહેરીકરણના યુગમાં આધુનિક મનોરંજનના માધ્યમો સામે હજુ પણ ગ્રામ્ય સંસ્કૃતિ, કલા અને ધરોહરને પરંપરાગત માધ્યમો થકી આગળ ધપાવતાં લોક-ડાયરા, પપેટ શો અને નાટકોને પ્લેટફોર્મ પૂરું પાડવાની ઉમદા જવાબદારી રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જીવંત રાખવામાં આવી રહી છે.પરંપરાગત માધ્યમો થકી કલાકારો સંતવાણી, લોક ગીતો, ભજન, કથાઓ સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ – વિકાસ કાર્યક્રમોની જાણકારી જનજન સુધી પહોચાડે છે.
રાજકોટ જિલ્લામાં પ્રતિ વર્ષ 35 થી વધુ કલાકારો દ્વારા ડાયરા તેમજ પપેટ શો ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાએ રજુ કરવામાં આવે છે. સરકરશ્રી દ્વારા આ કલાકારોને તેમની કલા રજુ કરવાનું સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે એટલું જ નહીં, કલાકારોને યોગ્ય પુરસ્કાર પણ આપવામાં આવે છે.
માત્ર 8 વર્ષની ઉંમરે જ સંતવાણી કાર્યક્રમમાં સહભાગી થયેલા રેડિયો કલાકાર સરોજબેન ચૌહાણ 45 વર્ષથી આવા કાર્યક્રમો થકી આજે પણ લોક કલાને આગળ ધપાવવાનું કામ કરે છે. સરોજબેન જણાવે છે કે તેમને આ કલા વારસાગત મળેલ છે. આજ રીતે 25 વર્ષથી ડાયરો કરતા કલાકાર શ્રી અરવિંદભાઈ બગથરીયા જણાવે છે કે, સરકાર દ્વારા મળેલા કાર્યક્રમોથી અમને અમારી ઓળખાણ મળી છે. એક સમયે 700 રૂ. જેટલો પુરસ્કાર મળતો, જે હવે અનેક ગણો વધી ગયો છે. જયારે અન્ય કલાકાર જયશ્રીબેન અગ્રાવત રાજ્ય સરકારના અનેક વિભાગના કાર્યક્રમો કરી નસબંધી, વ્યસનમુક્તિ, પોલિયો સહિતના અભિયાનની સમજ લોકોને પુરી પાડે છે.