શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તમે તમારા ફોનને હવે સરળતાથી કાગળની જેમ વાળી પણ શકશો !? ચોંકી ગયા ને ? એપલ અને એલજી સાથે મળીને ફોલ્ડેબલ સ્માર્ટ ફોન બનાવાની તૈયારી દર્શાવી રહ્યા છે. આ યોજના પર આગળ વધવા એપલે ફોલ્ડેબલ ડિવાઇસના પેટન્ટના અધિકારો મેળવવા અરજી કરી છે. આ ડિવાઇસને કોઇ બુકની જેમ ખોલી શકાશે અને તેની સ્ક્રિન અત્યંત ફેલક્સિબલ બનાવવામાં આવશે. હજુ સુધી આ ડિવાઇસ માટે કોઇ નામ નથી રાખવામાં આવ્યું.
અમેરિકાના પેટન્ટ અને ટ્રેડ માર્ક કાર્યાલય દ્વારા પ્રકાશિત પેટન્ટ અરજીમાં જણાવેલું છે કે આ ડિવાઇસનો એક ભાગ અને ડિસ્પ્લે લચીલો અને ફ્લેક્સિબલ હોઇ શકે છે જે ડિવાઇસને વાળવામાં મદદ કરશે.
પહેલા એવી ચર્ચા ચાલી હતી કે એપલ કંપની સેમસંગ સાથે મળીને ભવિષ્યના આઇફોન બનાવી શકે છે. પરંતુ હવે એપલે ડિસ્પ્લે માટે એલજી સાથે જવાનો નિર્ણય લીધો છે.
ફ્લેક્સિબલ આઇફોનના પેનલનું ઉત્પાદન ૨૦૨૦થી શરૂ થઇ શકે છે. આ દરમિયાન એલજીએ પોતાની જાતે વાળી શકાય તેવો ઓએલઇડી પેનલનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. હાલમાં એલજી તેની કિંમતમાં થઇ રહેલ ખર્ચને ઘટાડવા માટેના પ્રયાસો કરી રહી છે.