મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના આદેશના પગલે આજે આરોગ્ય શાખાની ૧૨ ટીમો દ્વારા સાંજે ૫થી ૮ ત્રણ કલાક ફોગીંગ કરાશે
શહેરની માગોળે આવેલા બેડી માર્કેટીંગ યાર્ડમાં મચ્છરોના ઉપદ્રવના કારણે વેપારીઓ અને મજૂર વર્ગ પરેશાન થઈ ગયો છે. ડેન્ગ્યુ અને મેલેરીયા સહિતના તાવના સકંજામાં અનેક લોકો ફસાયા છે. યાર્ડના ચેરમેન અને વિવિધ યુનિયનોની રજૂઆતને ધ્યાનમાં રાખી મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા બેડી માર્કેટીંગ યાર્ડમાં ફોગીંગ માટે આરોગ્ય શાખાને ૧૨ ટીમો લગાવવા સુચના આપવામાં આવી છે. આજે સાંજે ૫ થી ૮ એમ ત્રણ કલાક ફોગીંગ કરવામાં આવશે. દરમિયાન જો મચ્છરોનો ત્રાસ દૂર થશે તો આ ફોગીંગની પ્રક્રિયા નિયમીત કરાશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના ભાગોળે બેડી માર્કેટીંગ યાર્ડ પાછળ નદી હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. રાજકોટમાંથી નીકળતું ડ્રેનેજનું ગંદુ પાણી આ જ નદીમાં વહે છે. જેના કારણે નદીના ગંદા પાણી પર ગાંડી વેલનું સામ્રાજ્ય જામી ગયું છે. અને મચ્છરોનો ઉપદ્રવ કેન્દ્ર બની ગયું છે. આજી નદી અહીંથી પસાર થાય છે. સાથો સાથ બાજુમાં આજી-૨ ડેમ આવેલ છે. જેમાં રાજકોટનું ડ્રેનેજનું પાણી ઠાલવવામાં આવે છે. સૂર્યાસ્ત થતાંની સાથે જ હજ્જારો મચ્છરોનું ટોળુ આક્રમણ કરવા નિકળ્યું હોય તેમ ત્રાટકી છે. યાર્ડમાં ૫૦૦થી વધુ દુકાન આવેલ છે અને ૯૦૦થી વધુ મજૂરો કામ કરે છે. છેલ્લા કેટલાક સમયી વેપારીઓ અને મજૂર વર્ગના લોકો ડેન્ગ્યુ, મેલેરીયા સહિતના તાવમાં પટકાયા છે. તાજેતરમાં યાર્ડના ચેરમેન તા વેપારી, મજૂર, દલાલ સહિતના અલગ અલગ યુનિયન દ્વારા સમસ્યા હલ કરવા માટે મ્યુનિ.કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા આરોગ્ય શાખાને બેડી યાર્ડમાં ફોગીંગ માટે સુચના આપવામાં આવી છે. આજે ૧૨ ટીમો દ્વારા યાર્ડમાં સાંજે ૩ કલાક ફોગીંગ કરવામાં આવશે. જો પ્રાયોગીક ધોરણે હાથ ધરાનારી ફોગીંગ બાદ મચ્છરોનો ઉપદ્રવ ઘટશે થતો આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા યાર્ડમાં નિયમીત ફોગીંગ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બેડી યાર્ડ મહાપાલિકાની હદની બહાર રૂડા વિસ્તારમાં આવેલું છે પરંતુ રૂડા પાસે ફોગીંગ માટેની કોઈ સુવિધા ન હોવાના કારણે મહાપાલિકાએ ફોગીંગની જવાબદારી લીધી છે.
ડ્રેનેજના પાણીના નિકાલ માટે પાઈપલાઈન નખાય તો જ યાર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટે
બેડી માર્કેટીંગ યાર્ડમાં મચ્છરોના ઉપદ્રવ માટે રાજકોટ શહેર જ જવાબદાર છે. કારણ કે, શહેરમાંથી નીકળતું ડ્રેનેજનું પાણી નદી મારફત આજી-૨ ડેમમાં પહોંચે છે. યાર્ડ પાછળ જ ખોખળદળ નદી આવેલ છે. જેમાં ગંદુ પાણી ભેગુ થતું હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ સતત વધે છે. આ સમસ્યા દૂર કરવા અનેક વખત પાઈપ લાઈન નાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ મહાપાલિકા તંત્ર દ્વારા ડ્રેનેજના ગંદા પાણીના નિકાલ માટે પાઈપ લાઈન નાખવામાં આવતી ન હોવાના કારણે સમસ્યા યાવત છે. દર વર્ષે ઉનાળાના આરંભે જ મચ્છરોનો ઉપદ્રવ વધે છે જેનો કાયમી નિકાલ માટે અહીં પાઈપ લાઈન નાખવી ખુબ જરૂરી છે.