બિસ્કીટ, આયુર્વેદ ચીજ વસ્તુઓ, સાબુ અને શેમ્પુના ટેક્સ દરમાં ઘટાડાની શક્યતા
કોરોનાનાં કહેર વચ્ચે જયારથી લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે તેનાથી અનેકવિધ રીતે માંગમાં પણ અસર પડી હોય તેવું લાગી રહ્યું છે. આ તકે લોકોભિયોગી ચીજવસ્તુઓ જેવી કે બિસ્કીટ, આયુર્વેદિક ચીજવસ્તુઓ, સાબુ તથા સેમ્પુના જીએસટી દરમાં ઘટાડો કરવાની માંગ એફએમસીજી કંપની દ્વારા સરકારને કરવામાં આવી છે જો આ ટેકસ દરમાં ઘટાડો કરવામાં આવશે તો માંગમાં પણ વધારો થઈ શકશે. હાલ પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાની નીચે આવતા બિસ્કીટ પર ૧૮ ટકાનો જીએસટી દર લગાવવામાં આવ્યો છે ત્યારે આ મુદાને ધ્યાને લઈ યુનિફોર્મ ટેકસ રેટ કરવામાં આવે તો કંપનીઓને અનેકવિધ રીતે ફાયદો પણ પહોંચશે અને માલમાં અનેકગણો વધારો પણ થઈ શકશે. જીએસટી કાઉન્સીલની બેઠક આગામી માસમાં યોજાનારી છે ત્યારે આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.
૨૦૧૭માં અંદાજે ૨૦૦ જેટલી ચીજવસ્તુઓ જેવી કે ચોકલેટ, ટુથપેસ્ટ, સેમ્પુ, વોશિંગ પાઉડર, સેવિન ક્રિમ જેવી ચીજવસ્તુઓ પર જીએસટી દર ૨૮ ટકા લગાવવામાં આવ્યો હતો જેને ઘટાડી ૧૮ ટકા પણ કરાયો છે ત્યારે આ તમામ ચીજવસ્તુઓમાં હજુ જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવે તો આ તમામ પ્રોડકટની માંગમાં ઘણો વધારો થશે.
જરૂરીયાત મુજબની કેટેગરીમાં આવતી ચીજવસ્તુઓનો હાલ દર ૧૮ ટકા કરવામાં આવ્યો છે જો તેને ઘટાડવામાં આવે તો માંગમાં પણ અનેકગણો વધારો થઈ શકશે જે આંશકીક રીતે દેશની અર્થવ્યવસ્થા માટે ફાયદારૂપ સાબિત થશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૨૦ લાખ કરોડનાં રાહત પેકેજમાં સરકારે મુખ્યત્વે સપ્લાય ઉપર વધુ પ્રાધાન્ય આપ્યું છે ત્યારે આગામી સમયમાં માંગમાં કેવી રીતે વધારો કરી શકાય તે દિશામાં પણ ચર્ચા હાલ કરવામાં આવી રહી છે. આયુર્વેદિક ચીજવસ્તુઓ બનાવતી કંપની જેવી કે ડાબર અને બેધ્યનાથની જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પહેલા ૧૨ ટકા જીએસટી લગાવવામાં આવતો હતો જેને હવે ઘટાડી ૫ ટકા કરવામાં આવ્યો છે તે અત્યંત અસરકારક સાબિત થશે અને આયુર્વેદિક ક્ષેત્રની ચીજવસ્તુઓના વપરાશમાં વધુ માંગ ઉભી કરવા કંપની પ્રયત્નશીલ પણ બને તેવું લાગી રહ્યું છે.
ડાબરનાં સીઈઓ મોહિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, મેડિસીન રેન્જ અને તમામ આયુર્વેદિક ચીજવસ્તુઓ ઉપર યુનિફોર્મ ૫ ટકા જીએસટી દર લગાવવા માટે સરકારે વિચારણા કરવી જોઈએ ત્યારે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે આગામી માસમાં યોજાનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં લોકોભિયોગી ચીજવસ્તુઓનાં જીએસટી દરમાં ઘટાડો થવાની પણ શકયતા રહેલી છે.