અબતક, રાજકોટ
શહેરના વિવિધ સ્થળોની બ મુલાકાત કરી ચાલુ વિકાસકાર્યોની સમીક્ષા કરી રહેલા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે વોર્ડ નં.૭માં રામનાથપરા સ્મશાન પાસે નવી બની રહેલી ફૂલબજાર તેમજ ઢેબરભાઈ રોડ પર ગુકુળ હેડવર્કસ ખાતે બની રહેલી વિજિલન્સ વિભાગની નવી લેબોરેટરીની સાઈટની પણ મુલાકાત કરી હતી. હાલ પારેવડી ચોક, રામનાથપરા સ્મશાન વગેરે સ્થળોએ ફૂલબજાર ભરાય છે. જોકે રામનાથપરા સ્મશાન પાસેરૂ ૪૪ લાખના ખર્ચે નવી ફૂલબજાર બનતા ધંધાર્થીઓને ત્યાં વ્યવસાયની તક પ્રાપ્ત થશે. આ નવી ફૂલબજારમાં કુલ ૮૫ થડા બનાવવામાં આવી રહયા છે. ફૂલબજારની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરએ ચાલુ કામગીરી નિહાળી ઝડપથી કામ પૂર્ણ કરવા સુચના આપી હતી.
આ ઉપરાંત મ્યુનિ. કમિશનરએ ગુરૂકુળ હેડવર્કસ ખાતે રૂ ૭૫ લાખના ખર્ચે બની રહેલી વિજિલન્સ વિભાગની લેબોરેટરીની સાઈટની પણ વિઝિટ કરી હતી. આ લેબોરેટરી કાર્યરત્ત થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના તમામ પ્રોજેક્ટસના સ્ટ્રેન્થ મટીરીયલની ચકાસણી મનપા દ્વારા ઇન હાઉસ જ કરી શકવાની ક્ષમતા પ્રાપ્ત થશે. કમિશનરએ આ કામ પણ ઝડપભેર આગળ ધપાવવા સૂચના આપી હતી.
મ્યુનિ. કમિશનરએ આજે કોઠારિયા રોડ પર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ અને રામનાથપરા મંદિરની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમની સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, એડી. સિટી. એન્જી. એમ.આર.કામલિયા અને એચ.એમ.કોટક, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી તેમજ ડેપ્યુટી એન્જિનિયર પટેલીયા, રાજદેવ અને દેથારીયા વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.