કોમ્યુનિટી હોલનું કામ શરત મુજબ થતું ન હોવાની રાવ
ઉપલેટા નગરપાલિકા દ્વારા હાલ બાવલા ચોકમાં આવેલ હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં જે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવે છે. આ કામમાં લોટ પાણીને લાકડા હોવાનો આક્ષેપ ખુદ બાંધકામ સમિતિના ચેરમેન કરી કામ બંધ કરાવવા આદેશ આપ્યો છે. આ અંગે નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ સુવાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે ૪૮૬ લાખ રૂપિયાના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવી છે. હાલ આ કોમ્યુનિટી હોલનું બાંધકામ ચાલુ છે ત્યારે મારી જાણમાં આવતા આ કામ અંગે મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને જે-તે ખાતાના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી કામ શરત મુજબ થતું નથી. કામમાં નિયમ મુજબ ખિલારી વપરાતી નથી જયાં સુધી એન્જીનીયરનો અભિપ્રાય ન આવે ત્યાં સુધી કામ બંધ કરી દેવામાં આવે તેવી માંગણી કરી છે. વધુમાં મયુર સુવાએ જણાવેલ કે આ કોમ્યુનિટી હોલના કામ અંગે થર્ડ પાર્ટી ઈન્ફેકશન નગરપાલિકાના એન્જીનીયરનો રીપોર્ટ તથા ચીફ ઓફિસરનો અભિપ્રાય ન આવે ત્યાં સુધી કામ શરૂ કરવા દેવામાં આવશે નહીં. અગાઉ આ ટેન્ડર મેં ૧૧ મહિના પહેલા રદ પણ કરાવેલ ફરી રી-ટેન્ડરની પ્રક્રિયા કરાવેલ. આ કોમ્યુનિટી હોલના કામમાં કોન્ટ્રાકટર ખુદ પ્રમુખ સાથે મળી કામમાં ગેરરીતી કરી રહ્યો છે છતાં નગરપાલિકાનું તંત્ર ચુપ કેમ છે. આ કામ એક વર્ષમાં પુરુ કરવાનું છે. આજે આઠ માસ વિતી ગયા છતાં કોઈ પગલા લેવાયા નથી. મારી સાથે રહેલા ભાજપના ૧૪ સભ્યોએ મને મળી રજુઆત કરેલ કે કોમ્યુનિટી હોલ સિવાય નગરપાલિકામાં ચાલતા કૌશલ કેન્દ્રોમાં પણ ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિતે ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત પે એન્ડ યુઝ બંધ હાલતમાં પડયા છે તેના બીલ પણ દર માસે ચુકવી દેવામાં આવે છે. નગરપાલિકાના બધા વિભાગોમાં લોલમલોલ ચાલે છે. આવી ગેરરીતી ચાલતા કામો હું કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લઉ તેમ અંતમાં બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ સુવાએ જણાવ્યું હતું.