ધકધકતા ઉનાળામાં પણ ભાવિ તબીબો પાણી માટે વલખાં મારી તરસે છે
છાશવારે બંધ થઈ જતી હોસ્ટેલની લીફ્ટના કારણે અનેક છાત્રાઓને થઈ છે ઇજા
હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે મેડિકલ કોલેજમાં છાયે બેઠેલા વોર્ડનને વિદ્યાર્થિનીઓની અપીલ
સૌરાષ્ટ્રભર માટે રાજકોટ મેડિકલ ક્ષેત્રે કેન્દ્ર સ્થાન પર છે. તેમાં પણ એઈમ્સના આવવાથી તેમાં વધુ ઉમેરો થયો છે. પરંતુ હાલ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા ભાવિ તબીબો જ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા હોવાની વાત સામે આવી છે. જેમાં હોસ્પિટલ ચોક પાસે જયુબેલી નજીક આવેલી ગર્લ્સ હોસ્ટેલ રામ ભરોસે ચાલતી હોવાનુ સામે આવ્યું છે. ‘અબતક ’ ના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં આવી અનેક ખામીઓ સામે આવી હતી. એટલું જ નહિ પરંતુ તેમની તકલીફો સાંભળવા માટે પણ કોઈ જવાબદાર વ્યક્તિ ત્યાં હજાર ન હોવાનુ સામે આવ્યું છે.
હોસ્પિટલ ચોક પાસે જયુબેલી નજીક મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. જેમાં પ્રવેશદ્વારથી જ જાણે કોઈ ભૂલભૂલૈયા હોય તેવી પ્રીતિ થાય છે. એટલું જ નહિ ગુજરાત અને દેશભરમાંથી રાજકોટ મેડિકલ ફિલ્ડમાં સ્ટડી માટે આવતી છાત્રાઓને પ્રાથમિક સુવિધાઓથી જ વંચિત રહેવા જેવી સ્થિતિ સામે આવી છે. આ નવ માળની ઉચી બિલ્ડિંગમાં હાલ 450 થી 500 છાત્રાઓ રહે છે અને પીડિયુ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. હોસ્ટેલમાં દરેક રૂમમાં બે છાત્રાઓ રહે છે. જે સમયે આ વિદ્યાર્થિનીઓને રૂમ મળે છે ત્યારે વોર્ડન તેને રૂમ સુધી મુકવા આવે છે. પરંતુ ત્યાર બાદ આ વિદ્યાર્થીનીઓ જાણે રામ ભરોસે મૂકી દેતા હોય તેમ વોર્ડન કે કોઈ જવાબદાર વ્યક્તિ પાછળ વળીને જોતું નથી.
અબતક ના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં જાણવા મળ્યા મુજબ મેડિકલ ગર્લ્સ હોસ્ટેલમાં સૌથી પ્રાથમિક જરૂરિયાત પાણી માટે જ વલખાં મારવા પડતા હોય છે. હર એક રૂમમાં પાણી પહોંચાડવાની સુવિધા છાશવારે બંધ થઈ જાય છે અને બે બે માસ સુધી છાત્રાઓને પાણી માટે તરસયું રહેવા જેવી નોબત આવી જતું હોવાનું ધ્યાને આવ્યું છે. તો બીજી મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ નવ માળની છે અં રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિનીઓની પણ સંખ્યા વધુ હોવાથી જુનિયર અને સિનિયર સ્ટુડન્ટ્સ હોસ્ટેલમાં રહેતા હોય છે.
પરંતુ તેમાં રહેલી લિફ્ટ અનેક વખત બંધ થઈ હોવાનુ પણ ’અબતક’ ના ધ્યાને આવ્યું છે. જેથી છાત્રાઓને નવ માળ ચડવા ઉતારવાની સ્થિતિ ઊભી થાય છે. એટલું જ નહિ પરંતુ આ પગથીયા ચડવા-ઉતારવા સમયે અનેક છાત્રાઓ પડી હોય અને તેને ઈજાઓ પહોંચી હોય તેવું પણ જાણવા મળ્યું હતું.આ તમામ તકલીફો અને મૂંઝવણો વચ્ચે પણ મેડિકલ છાત્રાઓ એકદમ મગ્ન થઈને પોતાના અભ્યાસ પર ધ્યાન રાખે છે. ત્યારે આ છાત્રાઓ દ્વારા મેડિકલ કોલેજમાં છાયે બેઠેલા અધિકારીઓ અને જવાબદાર તંત્ર સામે પ્રાથમિક સુવિધાઓ માટે તેમને વલખાં ન મારવા પડે તેના માટે અરજ કરી છે.
450 થી વધુ છાત્રાની સુરક્ષા માટે માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ
શહેરમાં હોસ્પિટલ ચોકમાં આવેલી મેડિકલ ગર્લ્સ હોસ્ટેલમાં સુરક્ષાના ધાંધિયા હોઈ તેવું ચિત્ર હાલ સામે આવી રહ્યું છે.કારણ કે 9 માળની બિલ્ડિંગમાં કે જ્યાં બહાર ગામથી 450 થી પણ વધુ મેડિકલ નો અભ્યાસ કરવા માટે આવેલી છાત્રાઓ રહે છે.જ્યાં તેની સુરક્ષા માટે માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડની રાખવામાં આવ્યો છે. જો ત્યાં કોઈ રાત્રિના સમયે અનિચ્છનીય બનાવો બને તો તેની જવાબદારી કોની ? જેથી નવ માળની બિલ્ડીંગની સુરક્ષા માટે તંત્ર ત્યાં ત્રણ જેટલા સિક્યુરિટી ગાર્ડની ફાળવણી કરે તેવું છાત્રાઓમાં પણ ચર્ચા રહ્યું છે. તે ઉપરાંત હાલ આ હોસ્ટેલમાં કોઈ પણ વોડન ઉપસ્થિત રહેતા નથી.જો કોઈ છાત્રા ને કોઈ મદદની જરૂર પડે તો તેને વોર્ડનનો ફોન પર જ સંપર્ક કરવા માટેનું જણાવામાં આવ્યું છે.
તબીબી હોસ્ટલના ગેસ્ટ હાઉસ રૂમને ઈલાજની જરૂર
ગર્લ્સ હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ગેસ્ટ રૂમને જ ઈલાજની હાલ જરૂર વધુ માત્રામાં જણાઈ રહી છે કારણ કે ગેસ્ટ હાઉસ રૂમમાં કોઈ માણસ તો શું જનાવર પણ ના રહી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગેસ્ટ હાઉસ રૂમમાં દીવાલોની પોપડીઓ ઉખડીને નીચે પડી છે.સ્ટોર રૂમમાં રાખવાનો સામન ગેસ્ટ રૂમમાં રાખવામાં આવ્યો છે.જાણે આ રૂમની સાફ સફાઈ ગયા ભવમાં કરવામાં આવી હોય તેવું માલુમ પડી રહ્યું છે.
ગર્લ્સ હોસ્ટેલમાં માત્ર એક જ સીસીટીવી કેમેરો! તે પણ બંધ
ગવર્મેન્ટ કોલેજમાં અભ્યાસ કરતી છાત્રાઓનું હોસ્ટેલમાં સુરક્ષાના નામે મીંડું હોય તેવું સામે આવી રહ્યું છે કારણ કે નવ માળની ગર્લ્સ હોસ્ટેલ કે જેમાં 450 થી પણ વધારે છાત્રા રહે છે. ત્યાં માત્ર એન્ટ્રીગેટ પર જ એક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો છે જ્યારે તે કેમેરો પણ બંધ પડ્યો છે.જો દીકરીઓના હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા જ બંધ પાડયા હોઈ તો ન કરે નારાયણ કાલે કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોની રહેશે.
આધુનિક જનરેટર માત્ર શોભાના ગાઠીયા સમાન
હોસ્ટેલમાં જો ક્યારેય પર લાઈટ જતી રહે તો વિદ્યાર્થીનીઓને નવ માળ પગથિયા દ્વારા ઉતરવા ના પડે તે માટે તેના માટે આધુનિક જનરેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ કોણ જાણે આ જનરેટરમાં ક્યારે ડીઝલ પુરવામાં આવ્યું હશે હાલ તો આ જનરેટર બંધ અવસ્થામાં જ પડ્યું છે. જાણે કોઈને આ ગર્લ્સ હોસ્ટેલની કંઈ જ પડી ના હોય તેમ માંદગીના બિછાને પડ્યું છે. જો આધુનિક જનરેટરની સારવાર કરવામાં આવે તો છાત્રાઓને પગથિયા ઉતરવા ના પડે.
હોસ્ટેલનો એન્ટ્રી ગેટ “ખાળે ડૂચા દરવાજા મોકળા” જેવી સ્થિતિ
મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ નો એન્ટ્રીગેટની” ખાળે ડૂચા દરવાજા મોકળા ” સ્થિતિ બની છે.કેમ કે જે મેઇન ગેટ લગાવવામાં આવ્યો હતો.તે તો હાલ કાઢી લેવામાં આવ્યો છે.અને અત્યારનો ગેટ તો માત્ર લાગવા પૂરતો જ લગાવવામાં આવ્યો હોય તેવું માલુમ પડ્યું છે. હોસ્ટેલની અંદર એન્ટ્રી લેતા હોય ત્યારે કોઈ ભૂત બંગલામાં એન્ટ્રી લઈ રહ્યા હોય તેવી અનુભૂતિ થતી હોય છે. જેથી સૌપ્રથમ તો દરવાજો સુરક્ષા કરે તેવો લગાવવામાં આવે તો પણ સારું કહેવાય.
મેડિકલમાં અભ્યાસ કરતી છાત્રાની હોસ્ટેલમાં જ મચ્છરોનો ઉપદ્રવ
મેડિકલ નો અભ્યાસ કરતી છાત્રાઓની હોસ્ટેલ જ માંદગીના બિછાને પડી હોય તેવું ચિત્ર સ્પષ્ટ સામે આવી રહ્યું છે. કોલેજની બિલ્ડીંગ પાછળ જ મોટી માત્રામાં મચ્છરોનો ઉપદ્ર હોય તેવું જણાઈ રહ્યું છે સાથો સાથ બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ પાઇપોમાં પણ ગંદા પાણીના રેલા થતા જોવા મળ્યા હતા.જેથી લોકોની સારવાર કરવા માટેનો અભ્યાસ કરતી છાત્રાઓ ના હોસ્ટેલની જ સારવાર કરવાનું માલુમ પડી રહ્યું છે.