• ગણતરીના કલાકોમાં નભ નીચોવાતા ભારે હાલાકી, મેઘતાંડવ સર્જાયો હોય તેવી સ્થિતિ: 24 કલાકમાં 122 તાલુકાઓમાં મેઘમહેર: જૂનાગઢના કેશોદ-વંથલીમાં સવારથી અવિરત વર્ષા ચાલુ: દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદરમાં પણ મેઘાવી માહોલ
  • ભારે વરસાદને કારણે આજે પણ પોરબંદર-દ્વારકા જિલલાની શાળા-કોલેજોમાં રજા: અનેક રસ્તાઓ ધોવાયા, અનેક ગામો પણ સંપર્ક વિહોણા બન્યાં

દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના કેશોદ-વંથલી ઉપર મેઘરાજાએ પ્રકોપ વરસાવ્યો હોય તેમ પોરબંદરમાં વધુ 10 ઇંચ જ્યારે દ્વારકામાં બે કલાકમાં 9 ઇંચ બાદ કુલ 15 ઇંચ વરસાદ ખાબકતાં આકાશી આફત ઉતરી હતી. મેઘરાજાએ ટૂંકાગાળામાં અતિભારે સટાસટી બોલાવતા સમગ્ર વિસ્તારોમાં જાણે જળપ્રલય સર્જાયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. જ્યારે કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદથી વ્યાપક હાલાકી ફેલાઇ છે. સાવચેતીના ભાગરૂપે પોરબંદરના કોલીખડા ગામમાં 204 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું હતું. આ પરિવારો માટે પ્રાથમિક શાળામાં ભોજનની વ્યવસ્થા કરાઇ હતી તેમજ પાણીગ્રસ્ત એરિયામાં ફસાયેલા 11 વ્યક્તિનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે આજે પણ પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાણે મેઘતાંડવ શરૂ થયું હોય તેમ બે કલાકમાં ધોધમાર 9 ઇંચ વરસાદ વરસતા જાણે વાદળર્છાંયુ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી અને ચોમેર જળ બંબાકાર થઇ ગયો હતો અને એ પછી પણ મેઘસવારી ચાલી

રહી હતી અને સવારે 6 વાગ્યા સુધીમાં 15 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે દ્વારકા પોતે જાણે બેટ દ્વારકા બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

પોરબંદરમાં પણ ગત રાત્રથી જ વરસાદી કહેર જારી રહ્યો હતો. જેમાં ગઇકાલે વધુ 10 ઇંચ વરસાદ વરસ્યો હતો. પોરબંદર નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધીનું પાણી ભરાયું હતું. પોરબંદરમાં છેલ્લા 30 કલાકમાં આશરે 14 ઇંચ જેવો વરસાદ વરસતા તારાજી સર્જાઇ હતી. રાણાવાવમાં પણ છેલ્લા 30 કલાકમાં વધુ 13 ઇંચથી વધુ વરસાદ વરસતા વિસ્તાર જળમગ્ન થઇ ગયો હતો.

જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાએ કહેર વરસાવ્યો હતો. જૂનાગઢના કેશોદમાં 24 કલાકમાં 9 ઇંચ જ્યારે વંથલીમાં પણ 9 ઇંચ વરસાદથી ભારે તારાજી સર્જાઇ હતી. જામનગરના કાલાવડમાં સાડા ત્રણ ઇંચ, જોડિયામાં બે ઇંચ, લાલપુરમાં દોઢ ઇંચ, જામનગરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે જામકંડોરણામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. કચ્છના અંજારમાં અઢી ઇંચ, મુંદ્રામાં દોઢ ઇંચ જ્યારે તાલાલા ગીરમાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વરસાદની વકી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

જૂનાગઢમાં ભારે વરસાદથી 65 ગામોનો સંપર્ક તુટ્યો, 75 રસ્તાઓ જળમગ્ન

જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગુરૂવાર બપોરથી શરૂ થયેલ વરસાદ હજુ આજેપણ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે. કેશોદ અને વંથલી તાલુકામાં ભારે વરસાદ ચાલુ રહેતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા અને અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. જિલ્લા કલેક્ટર કચેરીના જણાવ્યા મુજબ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાના 75 રસ્તા પર પાણી ફરી વળતા 65 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. સલામતીના ભાગરૂપે એસ.ટી. વિભાગના 14 રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના 19માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે. હેઠવાસમાં આવતા 53 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લામાં કેશોદમાં એનડીઆરએફ અને શહેરમાં એસડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી છે. ભારે વરસાદથી કેશોદ તાલુકાના માણેકવાડા ગામમાં મંદિર જળમગ્ન બની ગયું હતું તો ખોરાસા ડેમમાંથી પાણી છોડાતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ગામના ખેતરો તળાવ બની ગયા હતા અને ખેતરોના પાળા તૂટી ગયા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારો પણ જળમગ્ન બની ગયા હતા.

સૌરાષ્ટ્રમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી

ગઇકાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ 20 જુલાઇ એટલે કે આજેપણ હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 9 જિલ્લામાં છૂટ છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગામી 22 જુલાઇ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર એકસાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ઓફશોર ટ્રફ, સીયર ઝોન અને સાયક્લોનીક સરક્યુલેશન સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી છે. જ્યાં આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં સિઝનનો 37.42% વરસાદ વરસી ગયો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 54.58% જ્યારે કચ્છમાં 50.90% વરસાદ વરસ્યો

રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે તેમજ અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઇ ચુક્યો છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 37.42 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 54.58 ટકા નોંધાયો છે તો કચ્છમાં પણ 50 ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચુક્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 39.95%, ઉત્તર ગુજરાતમાં 23.86% જ્યારે મધ્ય ગુજરાતમાં 23.03% વરસાદ સૌથી ઓછો નોંધાયો છે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસતા નદી-નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક થઇ છે તેમજ ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. પરંતુ હજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમૂક તાલુકાઓ એવા છે કે ત્યાં જોઇએ તેટલો વરસાદ વરસ્યો નથી. જેને કારણે ખેડૂતો સારા વરસાદની રાહમાં બેઠા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો સિઝનનો 50 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ 39.95 ટકા જેટલો એટલે કે સિઝનનો 40 ટકા વરસાદ નોંધાયો છે પણ હજુ ઉત્તર ગુજરાતમાં ફક્ત 23.86 ટકા જ્યારે મધ્ય ગુજરાતમાં 23.03 ટકા વરસાદ જ નોંધાયો છે. હજુ પણ અનેક તાલુકા એવા છે કે જ્યાં વરસાદની ઘટ્ટ જોવા મળી રહી છે. પરંતુ આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.