શહેરમાં બપોરથી ધોધમામર વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં જ શહેરમાં 3 ઈંચ વરસાદ થતા શહેરીજનો માર્ગો ઉપર નીકળી ગયા હતા. ભારે વરસાદને પગલે શહેરીજના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરીજનોએ ઉકળાટમાંથી રાહત અનુભવી હતી. વડોદરા શહેરની સાથે જિલ્લામાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે.
હવામાન ખાતા દ્વારા 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે આગાહીના પગલે શહેરમાં સવારથી વરસાદી વાદળોની ફૌજ ઉમટી પડી હતી. બપોરે દોઢ વાગે સમગ્ર શહેર કાળા ઢીંબાગ વાદળોથી ઢંકાઇ ગયું હતું. અને ગણતરીના મિનીટોમાંજ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વરસાદ શરૂ થતાં જ શહેરીજનો ખૂશખુશાલ થઇ ગયા હતા. એક કલાકમાં જ શહેરમાં 3 ઈંચ વરસાદ થતા વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ગાજવીજ સાથે શરૂ થયેલા ભારે વરસાદને પગલે શહેરના માંડવી, ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, અમદાવાદી પોળ, રાવપુરા રોડ, આજવા રોડ, હરણી રોડ, મુક્તાનંદ ચાર રસ્તા સહિત સમગ્ર વિસ્તારમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ચોમાસાની ઋતુના પ્રથમ ધોધમાર વરસાદે જ વડોદરા મહાનગર સેવા સદનની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી હતી. ઠેર-ઠેર વોટર લોગીંગના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશય થયા હતા.