સુપ્રીમ કોર્ટે કેરળના સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓના પ્રવેશને લઈને પોતાના નિર્ણય પર પુનર્વિચારની દાખલ થયેલી 49 અરજી મંજૂર કરી છે. જેના પર 22 જાન્યુઆરીએ ઓપન કોર્ટમાં સુનાવણી થશે. મંગળવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સુનાવણી થાય ત્યાં સુધી મંદિરમાં મહિલાઓના પ્રવેશનો નિર્ણય યથાવત રહેશે. 28 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજની બેંચે 4-1થી નિર્ણય આપ્યો હતો. જેમાં તમામ આયુની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. પહેલાં અહીં 10 વર્ષની બાળકીઓને લઈને 50 વર્ષ સુધીની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.

ચીફ જસ્ટિસ રંજન ગોગઇ, જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની બેંચ સબરીમાલા સંબંધી નિર્ણય પર પુનર્વિચારની માંગવાળી અરજીઓ પર વિચાર કરશે. આ અરજી ઉપરાંત આ નિર્ણય પર પુનર્વિચારની માંગવાળી ત્રણ અલગ અલગ અરજીઓ પર ચીફ જસ્ટિસ ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેંચની પાસે ઓપન કોર્ટમાં સુનાવણી માટે મોકલવામાં આવશે.

સબરીમાલ સ્થિત ભગવાન અયપ્પાનું મંદિર 17 નવેમ્બરે બે મહિના સુધી ખુલશે. કેરળ સરકાર આ સપ્તાહથી શરૂ થઈ રહેલી તીર્થયાત્રા પહેલાં સબરીમાલા મંદિરથી જોડાયેલાં અલગ અલગ મુદ્દે ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.