હવે શનિ- રવીએ કેલિબ્રેશન ફ્લાઇટનું ટેસ્ટિંગ થશે
હીરાસર એરપોર્ટમાં આવતીકાલે થનાર ફ્લાઇટ ટેસ્ટિંગ મોકૂફ રહેવાની શક્યતા છે. કારણકે પવન અને ધૂળની ડમરીને કારણે આ ટેસ્ટિંગમાં વિઘ્ન આવી શકે તેમ હોય ટેસ્ટિંગ હવે આગામી શનિ- રવીના રોજ યોજાઈ તેવી શક્યતા સેવાઇ રહી છે.
રાજકોટની ભાગોળે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે હવે ટેસ્ટિંગની કાર્યવાહી શરૂ કરાઈ છે. આજે સાંજે દિલ્હીથી ખાસ કેલિબ્રેશન ફ્લાઈટ રાજકોટ પહોંચશે અને બીજા દિવસથી એટલે કે 2 અને 3 માર્ચે ટ્રાયલ લેન્ડિંગ થશે. જો કે હાલ પવન અને ધૂળની ડમરીના કારણે આ ટેસ્ટિંગ અશક્ય જેવું લાગી રહ્યું છે. આ ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ ડીજીસીઆઈ એરપોર્ટને મંજૂરી આપતા ડોમેસ્ટિક એરપોર્ટ શરૂ કરવામાં આવશે. હવે આ ટ્રાયલ આગામી શનિવાર અને રવિવારના રોજ યોજવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.
બીજી તરફ હિરાસર એરપોર્ટમાં હાલ રન વેનું કામ પૂર્ણ થયું છે અને નવું ટર્મિનલ ન બને ત્યાં સુધી ટેમ્પરરી ટર્મિનલ વાપરવામાં આવશે તે પણ કામ અંતિમ તબક્કામાં છે. આ કારણે એપ્રિલ સુધીમાં જ એરપોર્ટ ચાલુ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ માટે ટ્રાયલ લેન્ડિંગ મહત્ત્વનો તબક્કો છે. હાલ રન વે પર જે કેટ લાઈટ નખાઈ છે તે યોગ્ય રીતે કામ કરે છે.કે નહિ તેમજ વિસ્તારમાં હજુ પણ ઘણી પવનચક્કીઓ અને હાઈ વોલ્ટેજ લાઈન નડતરરૂપ છે કે નહિ તે ચકાસાશે. લેન્ડિંગ કરાવ્યા બાદ રન વે પરથી ફ્લાઈટ ટેકઓફ કરાવીને રન વેના છેડે નદી ઉપર બનાવેલું બોક્સ કલ્વર્ટ કેવું કાર્યક્ષમ છે તે સહિતની બાબતોની ચકાસણી કરાતા એરપોર્ટ ઓથોરિટી, ડીજીસીઆઈ અને વહીવટી તંત્રના અધિકારીઓ હિરાસર ધામા નાખશે.