હવાઇ જહાજમાં મુસાફરોનો પ્રવાસ શરુ થયો તેના ઘણા વર્ષો પછી ૧૯૩૪માં ૩જી ફેબ્રુઆરીએ વિમાન દ્વારા પાર્સલ માલ-સમાન મોકલવાની શરુઆત થઇ હતી. જર્મનીની લૂફથાન્સા કંપનીએ આ પાર્સલ સેવાનો પ્રારંભ કર્યો હતો. હાઇન્કેલ-ડે નામના વિમાનમાં બર્લિનથી શટૂગાર્ટ ખાતે ૭૦ કિલો વજનમાં પત્રો અને પાર્સલ લઇ જવામાં આવ્યા હતા. આ પત્રો અને પાર્સલો ત્યાંથી ફાન્સિસ શહેર માર્સે થઇને સ્પેનનાં સેવિયા મોકલવામાં આવ્યા હતા. આ પછી વિવિધ તબક્કે હેરફેર કરીને આખરે બ્રાઝિલથી નાટાલ શહેરમાં ઉભેલી એક સ્ટીમર મારફતે બ્રાઝિલનાં રિયો ડિ જનેરિયો તેમજ બ્યૂનસ આયર્સ સુધી પહોંચતા કરવામાં આવ્યા. આ આખી હેરફેરમાં વિમાનનો ઉપયોગ કરવા છતા છ દિવસનો સમય લાગ્યો હતો. જો કે એરમેલનાં શરુ થયાના પહેલા એક જ વર્ષમાં લૂફથાન્સાં કં૫નીએ પાંચ હજાર કિલોથી વધુ માલ-સામાનની હેરફેર કરી હતી. જો કે આ માટે કં૫નીએ બધુ મળીને ૪૭ હવાઇ જહાજો કામે લગાડવા પડ્યા હતા.
આજે વિશ્ર્વનાં કોઇપણ છેડે ગમે તેટલા પાર્સલો પહોંચાડવામાં વધુમાં વધુ માત્ર ૪૮ કલાક જ લાગે છે. માલ સમાનની હેરફેર વિમાનો દ્વારા શરુ થતા ઓછા સમયમાં ખરાબ થઇ જતા ફ્રૂટ્સ, શાકભાજી તેમજ દવાઓના ક્ષેત્રોમાં ખૂબ હરણફાળ ભરાઇ છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં ૧૯૩૪ કરતા ૧૨૦૦૦ ગણો વધારો થયો છે. વિમાનમાં માલ પરિવહનને કારણે વિશ્ર્વમાં પારિવારિક રિવાજ મુજબ વાટકી વ્યવહારમાં પણ વધારો થયો છે. આવનારા દિવસો માલ સામાનની હવાઇ હેરફેરમાં ક્ષેત્રમાં અનેક કંપનીઓ મેદાનમાં આવવાની છે.