રૂ. ૩૭૨ કરોડના ખર્ચે ઈડબલ્યુએસ–૨ કેટેગરીના ૫૪૨ એલઆઈજી કેટેગરીના ૧૨૮૪ અને એમઆઈજી કેટેગરીના ૧૩૦૦ આવાસ અને ૧૦૩ દુકાનો બનાવાશે: ફ્લેટ રૂ.૫.૫૦ લાખથી ૨૪ લાખ સુધીમાં અપાશે
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ૧૦ દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી અને રૂ. ૩૭૫ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. વાર્ષિક રૂપિયા ૩ લાખથી લઈ ૧૨ લાખ સુધી કમાનાર વ્યકિતને મહાપાલિકા દ્વારા ફ્લેટ આપવામાં આવશે. ૩૧૨૬ આવાસ અને ૧૦૩ દુકાનો બનાવવા માટે રૂ. ૩૭૨ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. લોકસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ આચરસંહિતા ઉઠતાની સાથે જ આવાસ માટે ફોર્મ વિતરણ શરૂ કરી દેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે શહેરના વોર્ડનં. ૧૦ અને ૧૧માં ટીપી સ્કીમ નં. ૫ અને ૯માં જયભીમ નગર પાસે વિમલ નગર મેઈન રોડ અને કાલાવડ રોડ પર રૈયાધારમાં કોર્પોરેશન દ્વારા એલઆઈજી પ્રકારના ૪૦૪ અને એમઆઈજી પ્રકારના ૧૦૨૮ આવાસ તથા ૬૧ દુકાન બનાવવામાં આવશે. જ્યારે ટીપી સ્કીન નં. ૨૮ મવડીમાં અંબીકા ટાઉનશીપ પાસે ટીડબલ્યુએસ-૨ પ્રકારના ૩૯૮ આવાસ અને ટીપી સ્કીન નં. ૨૪ (મોટા મવા) સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ટીડબલ્યુએસ પ્રકારના ૫૪૨ આવાસ બનાવવામાં આવશે. ટીપી સ્કીન નં. ૨૭ (મવડી પાળ રોડ પર એલઆઈજી પ્રકારના ૮૮૦ અને એમઆઈજી પ્રકારના ૨૭૨ આવાસ સહીત કુલ ૧૧૫૨ આવાસ અને ૪૨ દુકાનો બનાવવામાં આવશે. કુલ ૩૧૨૬ આવાસ તથા ૧૦૩ દુકાનો બનાવવામાં માટે આજે રૂ. ૩૭૨ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ઈડબલ્યુએસ-૨ પ્રકારના આવાસ ૪૦ ચો.મી.ના રહેશે. જેમાં બે બેડરૂમ, હોલ, કીચન, બાથ‚મની સગવડતા હશે. જે વાર્ષિક ૩ લાખ સુધીની આવક ધરાવતા લોકોને રૂ. ૫.૫૦ લાખમાં આપવામાં આવશે. લાભાર્થીને રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા ૩ લાખની ગ્રાન્ટ પણ મળશે ટૂંકમાં આ ફ્લેટ લાભાર્થીને માત્ર રૂ. અઢી લાખમાં મળશે. જ્યારે એલઆઈજી પ્રકારના આવાસ ૫૦ ચો.મી.ના રહેશે. જેમાં બે બેડરૂમ, હોલ, કીચન, સંડાસ બાથરૂમ હશે. જે વાર્ષિક ૩ લાખથી લઈ ૬ લાખ સુધીની આવક ધરાવતા લોકોને મળશે. જે રૂ. ૧૨ લાખમાં આવશે. જેમાં લાભાર્થીને ૧ લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. જ્યારે એમઆઈજી પ્રકારના આવાસ ૬૦ ચો.મી.ના રહેશે. જેમાં ૩ બેડરૂમ હોલ, કીચન અને સંડાસ બાથરૂમની સુવિધા રહેશે. વાર્ષિક ૬ લાખથી લઈ ૧૨ લાખ સુધીની આવક ધરાવતા વ્યકિતને આ ફ્લેટની ફાળવણી કરવામાં આવશે. જે રૂ. ૨૪ લાખમાં આપવામાં આવશે. જેમાં લાભાર્થીને એક પણ રૂપિયાની ગ્રાન્ટ મળશે નહીં.
તમામ પ્રકારની આવાસ યોજનામાં લીફ્ટ, ફાયર સેફ્ટી, પાર્કીંગ, ગાર્ડન, રેઈન વોટર હાર્વેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ હશે. ૩૧૨૬ આવાસ અને ૧૦૩ દુકાનો બનાવવાના પ્રોજેક્ટની કોસ્ટ રૂપિયા ૪૧૫ કરોડ હતી. દરમ્યાન ટેન્ડરમાં ઈડબલ્યુએસ પ્રકારના આવાસ માટે જામનગરની શાંતિ કન્સ્ટ્રકશન નામની એજન્સીએ ૯.૪૧ ટકા ઓછા ભાવ, એલઆઈજી પ્રકારના આવાસ માટે રાજકોટની વિનય ઈન્ફોટેક નામની એજન્સીએ ૪.૫૦ ટકા ઓછા ભાવ અને એમઆઈજી પ્રકારના આવાસ માટે જામનગરની શાંતિ કન્સ્ટ્રકશને ૧૦.૪૦ ટકા ઓછા ભાવે કામ કરવાની ઓફર આપતા હવે આ પ્રોજેક્ટ રૂપિયા ૩૭૨ કરોડમાં પૂર્ણ થશે. લોકસભાની ચુંટણીની આચારસંહિતા ઉઠતાની સાથે જ મહાપાલિકા દ્વારા આવાસ યોજના માટે ફોર્મ વિતરણ શરૂ કરી દેવામાં આવશે.
કોંગ્રેસની બે મોઢાની વાત, આવાસ મંજૂર કર્યા તો પણ વિરોધ કરે છે: કાનગડ
સ્ટેન્ડીંગ કમિટીના કોંગી સભ્ય ઘનશ્યામસિહ જાડેજાએ આવાસ યોજનાનો વિરોધ કરતા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે તેઓ પણ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા બે મોઢાની વાત કર્યા કરે છે. મહાપાલીકા આવાસ મંજૂર કરે અને ગરીબોને ઘરનું ઘર મળી રહે તેવો નિર્ણય કરે તો પણ કોંગ્રેસ તેનો વિરોધ કરે છે. વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસે લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે ફોર્મ વિતરણ કર્યા હતા તાજેતરમાં પણ જનરલ બોર્ડમાં હેતુફેરની દરખાસ્તનો વિરોધ કર્યો હતો અને એવું બહાનું આપ્યું હતું કે લોકોને આવાસ મળી રહે તેમાં ભાજપના શાસકોને રસ નથી ત્યારે ૩૧૨૬ આવાસ બનાવવા માટે રૂપિયા ૩૭૨ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો તેની સામે પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે જે વાત શું દર્શાવે છે ?
આવાસ યોજના સામે કોંગ્રેસનો વિરોધ: એમઆઈજી કેટેગરીના ફ્લેટના ભાવ ઓછા કરવા માંગણી
સ્ટેન્ડીંગ કમિટીના કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ આજે મહાપાલીકા દ્વારા સ્ટેન્ડીંગમાં ૩૧૨૬ આવાસ અને ૧૦૩ દુકાનો બનાવવા માટે મંજૂર કરેલા રૂપિયા ૩૭૨ કરોડના ખર્ચની દરખાસ્ત સામે વિરોધ નોંધાવ્યો હતો તેઓએ તર્ક બદ્ધ વિરોધમાં જણાવ્યું હતું કે મહાપાલીકા દ્વારા એમઆઈજી પ્રકારના આવાસ મારા વોર્ડ માં એટલે કે વોર્ડ નં. ૧૧માં અલગ અલગ સ્થળોએ બનાવવાના છે. નાના મવા રોડ, વીમલ નગર મેઈન રોડ, રૈયા ધાર અને મવડી પાળ રોડ પર એમઆઈજી પ્રકારના આવાસ બનાવવામાં આવનાર છે.જ્યાં થ્રી બેડ હોલ કીચનનો ફ્લેટ કોર્પોરેશન રૂપિયા ૨૪ લાખમાં લાભાર્થીને આપશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. વાસ્તવમાં અહીં ખાનગી બિલ્ડરો પણ આ ભાવે થ્રી બેડના ફ્લેટ આપે છે ત્યારે એમઆઈજી કેટેગરીના લાભાર્થીઓને મહાપાલીકાએ ૨૨ લાખ રૂપિયામાં ફલેટ આપવો જોઈએ . આટલું જ નહીં એલઆઈજી કેટેગરીના આવાસ બનાવવા માટે જે રીતે ૧૪.૫૦ ટકા ભાવ આવ્યા છે તે રીતે ઈડબલ્યુએસ કેટેગરીના આવાસ માટે માત્ર ૯.૪૧ટકા જ ઓછા ભાવ આવ્યા છે. જો ઉતાવળમાં ટેન્ડર મંજૂર કરવાના બદલે નેગોસીએશન કરવામાં આવ્યું હોત તો મહાપાલીકાને વધુ ફાયદો થયો હતો. ઘનશ્યામસિંહ જાડેજાએ અલગ અલગ ચાર દરખાસ્તોનો વિરોધ સ્ટેન્ડીંગ કમિટીમાં કર્યો હતો.