દારૂ પીને ખેલ કરવાની ના પાડતા એક શખ્સે માર માર્યો: બુટલેગર મહિલાએ ધમકી આપી
શહેરના વોર્ડ નંબર – 18માં ભાજપ મહિલા કાર્યકરો વચ્ચે ભડકો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ પર વોર્ડ – 18ના મહિલા કોર્પોરેટર ઇશારે હુમલો થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી થયો છે. મહિલા મોરચાના ઉપપ્રમુખના ઘર પાસે દારૂ પીને ખેલ કરતા શખ્સને ટપારવા જતા તેને માર માર્યો હતો. એટલું જ નહિ પરંતુ ત્યાર બાદ એ જ વિસ્તારમાં રહેતી અને બુટલેગર મહિલાએ પણ ફોન પર મહિલા મોરચાના ઉપપ્રમુખને ધમકી આપ્યાનું પણ જાણવા મળ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેરના વોર્ડ નંબર -18માં કોઠારીયા સોલવન્ટમાં ક્વાટરમાં રહેતા અને વોર્ડ -12ના ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ આશાબેન વિનોદભાઈ ગોહેલ (ઉ.વ.47) પર તેના જ વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ નામના શખ્સે હુમલો કરતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.
જ્યાં આશાબેન ગોહેલે જણાવ્યા મુજબ તેઓ કાલે રાત્રીના સમયે પોતાની પુત્રી સાથે ઘર પાસે બેઠા હતા ત્યારે યુવરાજસિંહ નામના શખ્સે દારૂ પીને ખેલ કરવાનુ શરૂ કર્યું હતું. જેને ના પાડવા જતા યુવરાજસિંહએ આશાબેનને ઢોર માર મારતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ એ જ વિસ્તારમાં રહેતી અને દારૂનો ધંધો કરતી સલમાબેન હનીફભાઇ જુણેજા નામની મહિલાએ કાર્યવાહી કરવા અંગે પણ ધમકી ભર્યા કોલ કર્યાનો આક્ષેપ પણ આશાબેને લગાવ્યો હતો.
હોસ્પિટલના બિછાને રહેલા આશાબેન ગોહેલે જણાવ્યું હતું કે થોડા સમય પહેલા જ વોર્ડ -18 ના ભાજપના કોર્પોરેટર ભારતીબેન પરસાણા દ્વારા તેઓને પોતાના વોર્ડમાં કોઈ પણ મુદ્દા ના ઉઠાવા મામલે બોલાચાલી થઈ હતી. જેના કારણે અગાઉ પણ આવા હુમલા થયા હોવાનું આશાબેનએ જણાવ્યું હતું. મહિલા મોરચાના ઉપપ્રમુખ આશાબેન ગોહેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ હુમલા પાછળ પણ કોર્પોરેટર ભારતીબેન પરસાણા જવાબદાર છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.