સૌરાષ્ટ્રમાં ૫૬ તાલુકાના આશરે ૭૫૦ ગામોમાંથી ધ્વજા પૂજનના યજમાનોની ઉત્સાહપૂર્વક નોંધણી: સમગ્ર ગુજરાતમાં ૧૫૦થી વધુ સ્થળ પર ધ્વજા પૂજન
કડવા પાટીદારોની આસ્થાના કેન્દ્ર સમા ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા ૬ ઓકટોબરને આઠમાં નોરતે સમગ્ર વિશ્વમાં ધ્વજાપૂજન ઉત્સવનું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. ઉમિયા માતાજી મંદિર સિદસરના શિખર ઉપર દરરોજ વર્ષ ની ૩૬૫ ધ્વજાજી ચડાવવામાં આવે છે. ભાવિકો પોતાના તરફથી આ ધ્વજાજી ચડાવી મા ઉમિયાના આર્શીવાદ મેળવે છે. મંદિરના શિખર પર ધ્વજાજી ચડાવવાનું અનેરૂ મહત્વ હોય છે. આ ધ્વજારોહણનો કડવા પાટીદાર પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. પાટીદારોની આ અનન્ય ભાવનાને કેન્દ્ર સ્થાને રાખી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા માતાજી ના આઠમાં નોરતે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત સહીત દેશ-વિદેશમાં એક સમયે ધ્વજાજીનું પૂજન ઉત્સવ થાય તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જામજોધપુર તાલુકાના સિદસર ખાતે બિરાજતા કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજી મંદિરના નેજા હેઠળ તા. ૬ ઓકટોબરના રોજ પાટીદાર સમાજની ભકિત- શકિત અને સર્મપણના વેણુનાદ સમો ઐતિહાસિક કાર્યક્રમ યોજાનાર છે. જેમાં કુળદેવી મા ઉમિયાના ચરણોમાં ૩૬૫ ધ્વજાપૂજનનો ઉત્સવ ઉજવાશે સિદસર આયોજીત આ ધ્વજાપૂજન ઉત્સવમાં સૌરાષ્ટ્રના પ૬ તાલુકાના ૭૫૦ જેટલા ગામોમાંથી ધ્વજાપૂજનના યજમાનોની નોંધણી ઉત્સાહપૂર્વક ચાલુ છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાંથી અમદાવાદ, વાપી, વલસાડ, વડોદરા, વ્યારા, ચીખલી, કામરેજ, સુરત, બારડોલી, ભરૂચ, અંકલેશ્વર, સહીતના અનેક શહેરો માં આઠમાં નોરતે માતાજીની ધ્વજાપૂજનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર ઉત્સવ દરમ્યાન આશરે ૧૫૦ કરતા વધારે સ્થળ પર સાધુ સંતો સ્થાનિક પાટીદાર સંસ્થાઓ, આગેવાનો, દાતાઓ તેમજ બહોળી સંખ્યામાં પાટીદાર ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિમાં આ ધ્વજા પૂજન ઉત્સવ ભવ્યાતીભવ્ય રીતે ઉજવવામાં આવશે.
ઉમિયા માતાજી મંદિર સિદસરના નિત્ય ધ્વજારોહણ સમિતિના અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઇ ફળદુ અને સિદસર સંગઠન સમિતિના પ્રમુખ કૌશીકભાઇ રાબડીયા દ્વારા સમગ્ર ધ્વજા પૂજન ઉત્સવને સફળ બનાવવા સૌરાષ્ટ્ર ના વિવિધ શહેરો તાલુકાઓમાં સ્થાનિક પાટીદાર સંસ્થાઓ, સંગઠન સમિતીઓના સભ્યો, કાર્યકરો, આગેવાનો, યુવાનો- બહેનો સાથે મિટીંગો, સભાઓ દ્વારા સંપર્ક કરી પ્રચાર પ્રસાર ની સુદૃઢ વ્યવસ્થા, યજમાનોના રજીસ્ટ્રેશન, આઠમાં નોરતે ઉત્સવની તૈયારીઓ વગેરે વિષયક વિસ્તૃત ચર્ચા વિચારણા કરી આયોજનને સુંદર રીતે પાર પાડી શકાય તેવા સધન પ્રયત્નો થઇ રહયા છે.
ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મોલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલે જણાવ્યું છે કે આ ધ્વજા પૂજન ઉત્સવ સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ શહેરો તાલુકાઓ- ગામો ઉપરાંત દેશ-વિદેશમાં જેવા કે અમેરીકામાં પેનસિલવેનિયા, ન્યુયોર્ક, ન્યુજર્સી, શારલેટ વિગેરે યુરોપમાં લંડન વિગેરે રહેશો ઉપરાંત ઓસ્ટ્રેલીયા, સ્વીઝરલેન્ડ, આફ્રિકા સહીતના દેશોમાં વસતા પાટીદાર પરિવારોમાં આઠમાં નોરતે ઉત્સાહભેર ઉજવાશે. આ સમગ્ર ઉત્સવને સફળ બનાવવા ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટીઓ, સિદસર સંગઠન સમીતીની કોશીકભાઇ રાબડીયા સમગ્ર ગુજરાતમાં પ્રવાસો કરી સોને માહીતગાર કરી ભારત સહીત જે દેશોમાં પાટીદાર પરિવારો વસવાટ કરે છે ત્યાં ટેલીફોનીક વાતચીત, વિડીયો કોન્ફરન્સ દ્વારા આ ધ્વજાપૂજન સમારોહમાં જોડાવા લોકોને અપીલ કરી રહયા છે.
ઉલ્લેખનીય છે કે, ઉમિયા માતાજી મંદિર સિદસરના શિખર પર ધ્વજાજી ચડાવવાનું અનેરૂ મહત્વ હોય છે. યજમાનો માં પોતાની વિશેષ યાદગાર રૂપ તારીખોમાં ખાસ પ્રસંગે ધ્વજા ચડાવવાનું અનેરૂ મહત્વ હોય છે. આ લ્હાવો લેવા ભાવિકોમાં ઉત્સાહ જોવા મળે છે. ધ્વજાજી ચઢાવવાનું આ કાર્ય ધામધુમથી ઉજવી શકાય તેવા ઉમદા હેતુ થી કલબ યુવી રાજકોટ દ્વારા રાજકોટ શહેરમાં કાર્યરત પાટીદાર પરિવારની રપ સંસ્થાઓ દ્વારા કલબ યુવી નવરાત્રી મહોત્વમાં ધ્વજાપૂજન ઉત્સવને ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરાયુ છે.
કલબ યુવીના એમ.ડી. અને સિદસર નિત્ય ધ્વજા રોહણ સમિતિના અધ્યક્ષ મહેન્દ્રભાઇ ફળદુ એ જણાવ્યુ છે કે કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં દર વર્ષે આઠમાં નોરતાની ઉજવણી મા ઉમિયાના નોરતા તરીકે ભવ્ય મહાઆરતી દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રી મહોત્સવમાં આઠમાં નોરતે ધ્વજાપૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૬પ ધ્વજાના યજમાન પરિવારો એકત્ર થઇ તેમણે લખાવેલ ધ્વજાજીનું વિધીસર પુજન અર્ચન કરશે આ ધ્વજાજીને સિદસર મોકલવામાં આવશે. જેને દરરોજ ઉમિયા માતાજી મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવશે. તેમજ રાજકોટ શહેરની ર૫ પાટીદાર સંસ્થાઓ, મહીલા મંડળોનો પુરતો સહકાર પ્રાપ્ત થયો છે તો કલબ યુવી અમદાવાદમાં નવરાત્રી મહોત્સવના ગ્રાઉન્ડ પર એક અમદાવાદ કલબ યુવીના કિશોરભાઇ વિરમગામા, વિનોદભાઇ રબારા સહીત અમદાવાદ પાટીદાર પરિવારોનો સાથ સહકાર પ્રાપ્ત થયો છે. તેમ સિદસરના મીડીયા ક્ધવીનર રજનીભાઇ ગોલની યાદીમાં જણાવાયુ છે.