રવિવાર સુધી કાતિલ ઠંડીનો દૌર રહેશે ત્યારબાદ પવનની ગતિ ધીમી થતા લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાશે
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો ગગડયો છે. ૪.૬ ડિગ્રી સાતગે નલિયા ઠરીને ઠીકરું બન્યું છે જ્યારે રાજકોટમાં પણ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયું છે. હજુ આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. નલિયામાં ૨ દિવસ કોલ્ડવેવની પણ આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં સામાન્ય રીતે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધતી હોય છે અને આજે ૪.૫ ડિગ્રી સાથે નલિયામાં સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. દેશભરમાં શિયાળો બરોબર જામ્યો છે. ત્યારે ઉત્તર ભારતથી લઈ છેક દક્ષિણ સુધી કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડી ને લઈ ઝાકળનું પ્રમાણ વધ્યું છે અને વિઝીબીલીટીમાં ઘટાડો નોંધાયો છે.
આજે રાજકોટનું વહેલી સવારે લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી જેટલું નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા અને ૧૫ કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે નલિયાનું લઘુતમ તાપમાન ૪.૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૬.૪ ડિગ્રી નોંધાયું હતું.
ઠંડીને કારણે લોકો બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. તડકો પણ આછો હોવાથી હવે દિવસે પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહયા છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લઈ રહ્યા છે. છેલ્લા ૨ દિવસથી બર્ફીલા પવન વધતા વાહનચાલકોની હાલત કફોડી થવા પામી છે. ગરમ વસ્ત્રોની બજાર પણ ગરમાય છે અને ખાસ તો કડકડતી ઠંડીમાં લોકો સ્વાદિષ્ટ ભોજન આરોગી રહ્યા છે. હજુ ૨૯મી ડીસેમ્બર સુધી કાતિલ ઠંડી યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે જો કે ત્યારબાદ પવનની ગતિ ધીમી પડતા લઘુતમ તાપમાનનો પારો પણ ઉચકાય તેવી શકયતા જોવા મળી રહી છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ભારે ઠંડીના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઠંડીની ભારે અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ઠંડીને લઇ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં લોકોના જનજીવન પર માઠી અસર પડી છે. રાજ્યમાં પવન મુખ્યત્વે ઉતરપૂર્વના શિયાળુ પવન ફૂંકાશે. વાતવરણ ચોખ્ખું અને સૂકું રહેશે.
ઠાકોરજીને ગરમ વસ્ત્રોનું રક્ષણ સગડી પણ મુકાય
રાજ્યભરમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે ત્યારે રાજકોટમાં ઠાકોરજીને ઠંડીથી રક્ષણ મળે તે માટે ગરમવસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો હતો અને ઠંડીથી બચવા ઠાકોરજી માટે ખાસ સગડી પણ મુકવામાં આવી હતી અને ઠાકોરજીને ગરમવસ્ત્ર સજ્જ દર્શનાર્થે ભાવિકજનો ઉમટી પડયા હતા.