વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરની મ્યુનિસિપલ કમિશનરને ધારદાર રજુઆત.
રાજકોટ મહાનગરપાલિકામાં સિટીજન ચાર્ટરનો નિયમ માત્ર દેખાવ પુરતો કાગળ પર રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જેનું ચુસ્તપણે પાલન કરાવવા માટે અધિકારીઓની જવાબદારી ફિકસ કરવા અને પેનલ બનાવી સુપર વાઈઝરની નિમણુક કરવા માટે આજે વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગર દ્વારા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને રજુઆત કરી હતી.
તેઓએ લેખિતમાં રજુઆતમાં જણાવ્યું હતું કે, કોર્પોરેટર દ્વારા માંગવામાં આવેલી માહિતી પણ સમયસર મળતી નથી. મહાપાલિકામાં સિટીજન ચાર્ટરનો નિયમ માત્ર કાગળ પર અને દેખાડવા પુરતો સીમીત રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ નિયમની ચુસ્તપણે અમલવારી તે માટે તમામ ખાતાના કર્મચારીઓની જવાબદારી ફિકસ કરવી જોઈએ. પેનલ બનાવી તેનો નિયમિત સુપર વિઝન પણ થવું જોઈએ. તેઓએ રજુઆતમાં એવું પણ ઉમેર્યું હતું કે, વોર્ડ નં.૧૩માં પીવાના પાણીની ફરિયાદની નિકાલની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે જેના તત્કાલ નિકાલ માટે સ્ટાફની ફાળવણી કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે.