હજારો કર્મીઓને લાભ મળશે:જિલ્લા અને અરસપરસ બદલી કરી અપાશે: મહિલા અને દિવ્યાંગ કર્મીઓ માટે નિયમો હળવા કરાયા
સરકારમાં કરાર આધારે ફિક્સ પગારથી નિમણૂક પામેલા કર્મચારીઓની બદલી અને પ્રતિનિયુક્તિ કરવા માટે નવા નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. સરકારમાં છેલ્લા વર્ષોમાં હજારો કર્મચારીઓની નિમણૂક કરાર આધારે ફિકસ પગારથી કરવામાં આવી છે ત્યારે તેમના માટે આ નિર્ણય મહત્વના બનશે. ફિક્સ પગારના કર્મીઓના સંગઠન દ્વારા પણ તેની રજૂઆત કરવામાં આવી હતી.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પડાયેલા ઠરાવમાં જણાવાયું છે કે, કરાર આધારીત ફિક્સ પગારના કર્મીઓમાં કરારની શરતો અને બોલીઓમાં અંગે જોગવાઇ ન હોવા છતાં તાબાની કચેરીઓ દ્વારા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાંથી સમયાંતરે કરવામાં આવતી હોવાની વિગત સરકારના ધ્યાને આવતા તેની પર નિયંત્રણ મૂકી દેવામાં આવ્યા હતા. તે પછી નવા જિલ્લા-તાલુકાની રચના થવાથી નવી ઊભી થયેલી કચેરીઓના મંજૂર મહેકમ પર નિયમિત નિમણૂક ન થાય ત્યાં સુધી સરકારી યોજના કે સેવાનો નાગરિકોને લાભ મળી રહે તે બાબતને ધ્યાનમાં લઇને આવા કર્મીઓની જૂના જિલ્લામાંથી નવા જિલ્લામાં આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે બદલી કે પ્રતિનિયુક્તિ કરવા અને તેમની મૂળ નિમણૂક જે તે િજલ્લામાં જ ચાલુ રહેશે તે મુજબની સૂચના સપ્ટેમ્બર-૨૦૧૬માં અપાઇ હતી. જો કે તેના કારણે તબીબી કે કૌટુંબિક વાજબી કારણો હોવા છતાં તેમની અટકી જતી હતી.
તેથી તે સૂચનાઓ રદ કરવામાં આવી છે. હવે ફિક્સ પગાર અને કરાર આધારે નિમણૂક મેળવનારી મહિલા કર્મી કે દિવ્યાંગ ક્વોટામાં નિમણૂક મેળવનારા કર્મીએ ઓછામાં ઓછી એક વર્ષની સેવા બજાવી હોય તો તેમની અન્ય જિલ્લાની ખાલી જગ્યા પરની ફેર બદલી માટેની અરજી વિચારણામાં લઇ શકાશે.
વર્ગ-૩ સંવર્ગની નવી જાહેરાત અન્વયે સીધી ભરતીના નવા ઉમેદવાર નિમણૂક મેળવે તે પહેલા જે ફિક્સ પગારના મહિલા કર્મીએ ઓછામાં ઓછી એક વર્ષ અને પુરુષ કર્મચારીએ ઓછામાં ઓછી બે વર્ષ સેવા બજાવી હોય તેવા ઉમેદવાર બદલીની અરજી કરે તો પ્રથમ આવી અરજી પર કાર્યવાહી પૂર્ણ કરાશે. તે પછી ખાલી જગ્યા પર સીધી ભરતીથી નિમણૂક મેળવનારા ઉમેદવારોને નિમણૂક અપાશે. એક વર્ષ ફરજ બજાવી હોય તેવી સમાન કેડરની મહિલા કર્મીની અરસપરસ બદલી પણ કરી અપાશે. પુરુષ કર્મચારીમાં અરસપરસ બદલીનું ધોરણ બે વર્ષનું લાગુ પડશે.