રાજકોટમાં ત્રણ યુવાનોના હાર્ટ ફેઇલ, જૂનાગઢમાં દાંડિયા રમતા ખેલૈયાનું હૃદય બેસી ગયું: ભાવનગરમાં યુવકને હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડ્યો
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકની અંદર જ પાંચ પાંચ યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થતા ફફડાટ મચી ગયો છે. જેમાં રાજકોટમાં ત્રણ યુવાનના હૃદય બેસી ગયા હતા જ્યારે જુનાગઢમાં ડાંડિયાર રમતી વેળાએ ખેલૈયાનું હાર્ટ ફેલ થઈ ગયું હતું અને ભાવનગરમાં પણ એક યુવાનને હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો હતો.
રાજકોટમાં ગઇ કાલે એક જ દિવસમાં ત્રણ યુવાનોને હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો હતો. જેમાં મહેન્દ્ર ભાઈ નાથાભાઈ પરમાર (ઉ.વ.35), રાજેન્દ્રસિંહ ગજુભા વાળા (ઉ.વ.38) અને કિશન કિરીટ ધાબેલિયા (ઉ.વ.25)ને હાર્ટ એટેક આવતા તેમનું મોત નિપજ્યું હતું.
જ્યારે ગઇ કાલે જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતો ચિરાગ પરમાર નામનો 24 વર્ષીય યુવાનને દાંડિયા રમવાનો શોખ હતો. જે છેલ્લા 10 વર્ષથી દર વર્ષે નવરાત્રિ પહેલા દાંડિયા ક્લાસિસમાં જતો અને નવરાત્રિમાં આ યુવાન દાંડિયા રમતો હતો. દાંડિયામાં ઘણા પુરસ્કાર મેળવી ચૂકેલો ચિરાગ પરમાર ગઇકાલે જૂનાગઢના જોષીપરા ખાતે આવેલા એક દાંડિયા ક્લાસીસમાં સાંજના સમયે ગયો હતો અને ત્યાં દાંડિયા રમવા લાગ્યો હતો. જ્યાં તેને ચક્કર આવતાં તે બેભાન થયો હતો. તેની આસપાસના લોકોએ ચિરાગને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરોએ ચિરાગને મૃત જાહેર કર્યો હતો અને પીએમ રિપોર્ટમાં ચિરાગ પરમારનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.
કોચિંગ ક્લાસીસના કોચ મહેન્દ્રભાઈ ગોસાઈએ જણાવ્યું હતું કે, ચિરાગ પરમાર એટલે કે જીગાને અમે આઠથી દસ વર્ષથી ઓળખીએ છીએ. ગઇકાલે અચાનક જ એક દુ:ખદ ઘટના બની હતી. ચિરાગ અમારા ક્લાસીસમાં દાંડિયાની પ્રેક્ટિસ કરવા માટે આવ્યો હતો. કાલે અચાનક જ દાંડિયા રમતા રમતા તે ક્લાસિકમાં ઢળી પડ્યો હતો. ત્યારે ત્યાં હાજર લોકોએ ચિરાગને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ ચિરાગ પરમારને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા તેને એટેકના આવવાથી મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું.મૃતક ચિરાગ પરમારના ભાઈ મુકુંદ પરમારે જણાવ્યું હતું કે, મારા નાના ભાઈ ચિરાગ પરમારને દાંડિયા રમવાનો ખૂબ જ શોખ હતો. ઘણા સમયથી ચિરાગ દાંડિયા રમતો હતો, પરંતુ કાલે ચિરાગ દાંડિયાના કોચિંગ ક્લાસમાં ગયો હતો અને ત્યાં દાંડિયા રમતા રમતા અચાનક તે ઢળી પડ્યો હતો. ત્યારે કાલની રાત અમારા માટે ભયાનક હતી. અચાનક રમતો રમતો એ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યાં હાર્ટ એટેકના કારણે તેનું મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું હતું.તો બીજી તરફ ભાવનગરમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં રત્ના કલાકાર ગોરધનભાઈ સોલંકી નામના 32 વર્ષના યુવાનને છાતીમાં દુખાવો થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેને મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઇ છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં પાંચ પાંચ યુવાનોને હૃદય રોગનો હુમલો ભરખી જતા લોકોમાં ફફડાટ મચી ગયો છે.