ઢોલક સાથે ઉતરેલી મહિલાઓ છોકરા ચોરતી હોવાની શંકા જતાં મારો-મારોની બૂમ ઉઠતાં પોલીસ કોર્ડન કરીને અટકાયત કરી
પલસાણાના ગંગાધરા ગામની સીમમાંથી પસાર થતી ટ્રેનમાંથી ઉતરેલી પાંચ મહિલાને લોકટોળાએ શંકા વ્યક્ત કરી ગંગાધરા આઉટપોસ્ટ ખાતે પોલીસને સોંપી દીધી હતી. બાળકો ઉપાડી જતી ટોળકીની અફવા વચ્ચે ટોળાએ મારો-મારોની બૂમો પાડતા પોલીસ પાંચેય મહિલાને કોર્ડન કરી પોલીસ મથકે લઇ જઇ અટકાયતી કાર્યવાહી કરી હતી.
સુરતથી ભુસાવલ જતી રેલ્વેલાઇન પર પલસાણા તાલુકાનાં ગંગાધરા વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર કામગીરી ચાલી રહી છે. મંગળવારે સવારે ૧૦ વાગ્યાના સુમારે વ્યારા તરફ જતી ટ્રેન ધીમી પડતા ટ્રેનમાંથી ઢોલક લઇ પાંચ મહિલા કુદી પડી હતી. પાંચેય મહિલા ઢોલક સાથે ગંગાધરા- કારેલી ગામમાંથી પસાર થતા લોકોને શંકા જતા ભેગા થઇ ગયા હતા અને બાળકો ઉપાડતી ટોળકી આવી હોવાની અફવા ફેલાઇ હતી.
પાંચેય મહિલાની ગીમની મહિલાઓએ અનેક વખત પૂછતાછ કરવા છતાં કશું બોલવા તૈયાર ન થતાં લોકોને વધુ શંકા જતાં ખેંચતાણ કરી ગંગાધરા આઉટપોસ્ટ ખાતે જમાદાર રતિલાલ પાસે લઇ ગયા હતા. આ સમયમાં સોશિયલ મીડિયામાં ફોટા સાથે મેસેજ વાયરલ થયો કે બાળકોને ઉપાડી જતી મહિલા ગંગાધરા પકડાઇ છે. જેથી અનેક ગામમાંથી લોકો ગંગાધરા આઉટપોસ્ટ પર ધસી જઇ મારો-મારોની બૂમો શરૃ કરી હતી.
લોકટોળું મોટું થતાં પોલીસે પાંચેય મહિલાને ચોકીમાંથી કોર્ડન કરી ખાનગી મારૃતી સ્વીફ્ટમાં બેસાડી પલસાણા પોલીસ મથકે લઇ ગયા હતા. પોલીસે પાંચેય મહિલાની પૂછતાછ કરતા સુરતના ઉન પાટીયા ખાતે રહે છે અને દરરોજ ઉધનાથી ટ્રેનમાં બેસી ઢોલક વગાડી ટ્રેનના મુસાફરો પાસેથી ભીખ માંગી વ્યારા ખાતે ઉતરી જાય છે અને પરત સુરત જતી ટ્રેનમાં ચડી જઇ ઘરે જતી રહે છે.