મોટામવા, માધાપર, મુંજકા, ઘંટેશ્ર્વર અને મનહરપુરાને મહાપાલિકામાં ભેળવવાનું નકકી કરાયું: વોર્ડ અને કોર્પોરેટરોની સંખ્યા વધશે
રાજકોટ મહાનગરપાલિકાનાં સીમાડા સતત વધી રહ્યા છે. પાંચ વર્ષ પૂર્વે કોઠારીયા અને વાવડીને મહાપાલિકાની હદમાં ભેળવ્યા બાદ હવે વધુ પાંચ ગામોને કોર્પોરેશનમાં ભેળવવાનું ફાઈનલ કરવામાં આવ્યું છે. મોટામવા, માધાપર, મુંજકા, ઘંટેશ્ર્વર અને મનહરપુરાને મહાપાલિકાની હદમાં ભેળવવા માટે આવતા સપ્તાહે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં દરખાસ્ત રજુ કરવામાં આવશે. આ ઉપરાંત નવાગામ, રોણકી સહિતનાં ગામો પણ રાજકોટમાં ભળે તેવી સંભાવના નકારી શકાતી નથી.
મહાપાલિકાનાં વિશ્ર્વસનીય સુત્રોએ એવા સ્પષ્ટ સંદેશો આપી દીધા છે કે વર્ષ ૨૦૨૦માં યોજાનારી મહાપાલિકાની ચુંટણી પૂર્વે શહેરની ભાગોળે આવેલા પાંચ ગામોને મહાપાલિકામાં ભેળવવા માટેની પ્રક્રિયા ટુંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. મોટામવા, માધાપર, મુંજકા, ઘંટેશ્ર્વર અને મનહરપુરાને રાજકોટમાં ભેળવવાનું હાલનાં તબકકે ફાઈનલ કરી દેવામાં આવ્યું છે. આ પાંચેય ગામો રાજકોટથી ખુબ જ નજીક આવેલા છે. આ ઉપરાંત નવાગામ અને રોણકીને રાજકોટમાં ભેળવવા માટેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫માં યોજાયેલી મહાપાલિકાની સામાન્ય ચુંટણી પૂર્વે કોઠારીયા અને વાવડીને રાજકોટમાં ભેળવવામાં આવ્યા હતા.
હાલ મહાપાલિકામાં કુલ ૧૮ વોર્ડ અને ૭૨ કોર્પોરેટરો આવેલા છે. પાંચ ગામોને રાજકોટમાં ભેળવવામાં આવશે તો વિસ્તાર સાથે વોર્ડની સંખ્યા અને નગરસેવકોની સંખ્યામાં પણ વધારો થાય તે નિશ્ર્ચિત છે. વોર્ડની સંખ્યા ૨૨ થી ૨૫ જયારે કોર્પોરેટરોની સંખ્યા ૮૮ થી ૧૦૦ સુધી પહોંચે તેવું મનાઈ રહ્યું છે. મહાપાલિકામાં આગામી ૧૬ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન જનરલ બોર્ડની બેઠક મળનારી છે. આ બેઠકમાં મોટામવા, માધાપર, મુંજકા, ઘંટેશ્ર્વર અને મનહરપુરાને કોર્પોરેશનની હદમાં ભેળવવા અંગેની દરખાસ્ત મંજુરી અર્થે મુકવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. જનરલ બોર્ડમાં દરખાસ્ત મંજુર થયા બાદ તેને રાજય સરકારમાં મંજુરી અર્થે મોકલવામાં આવશે. સરકારની મંજુરી મળતાની સાથે જ પાંચ ગામોનો રાજકોટ મહાપાલિકાની હદમાં સમાવેશ થઈ જશે.
ભરશિયાળે કાલે પાંચ વોર્ડમાં પાણીકાપ
નર્મદાનું પાણી પુરૂ પાડતી જીડબલ્યુઆઈએલની મુખ્ય પાઇપલાઈનમાં ૩ દિવસનું શર્ટડાઉન લેવામાં આવ્યું હોવાનાં કારણે વોર્ડ નં.૨,૩,૪,૫ અને ૭માં પાણીકાપનો કોરડો વિઝાયો
ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો છે. રાજકોટની જળજરૂરીયાત સંતોષતા પાંચેય જળાશયો છલોછલ ભરાયેલા હોવા છતાં રાજકોટવાસીઓનાં નશીબમાં કાયમી પાણીનું સુખ ન હોય તેવું લાગી રહ્યું છે. ભરશિયાળે રાજકોટવાસીઓ પર આવતીકાલે પાણીકાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે. નર્મદાનું પાણી મળવાનું ન હોવાનાં કારણે કાલે પાંચ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત આજે મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. રાજકોટને નર્મદાનું પાણી પુરુ પાડતું ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડની મુખ્ય પાઈપલાઈન એનસી-૩૪ પર આજથી ૧૧મી સુધી મેઈનટેનન્સની કામગીરી સબબ શર્ટડાઉન લેવામાં આવ્યું છે જેના કારણે રાજકોટને પુરતું નર્મદાનું પાણી મળે તેમ ન હોવાનાં કારણે તા.૧૦/૧૨/૨૦૧૯ને મંગળવારનાં રોજ ઘંટેશ્ર્વર ફિલ્ટર પ્લાન્ટ આધારીત હેડવર્કસ બજરંગવાડી હેઠળ આવતા વોર્ડ નં.૨ (પાર્ટ) અને વોર્ડ નં.૩ (પાર્ટ), રેલનગર હેઠળ આવતા વોર્ડ નં.૩ (પાર્ટ), બેડી ફિલ્ટર પ્લાન્ટ આધારીત હેડવર્કસ ગ્રીન લેન્ડ અને બેડી ઝોન હેઠળ આવતા વોર્ડ નં.૪ (પાર્ટ) અને વોર્ડ નં.૫ (પાર્ટ), જયુબેલી આધારીત કેનાલ રોડ પરનાં વોર્ડ નં.૩ (પાર્ટ) અને વોર્ડ નં.૭ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.