મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને  બાગ બગીચા અને ઝૂ કમિટીના ચેરમેન અનિતાબેન ગૌસ્વામીએ જાહેર કરી વિગતો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ પાસે ‘રામવન – ધ અર્બન ફોરેસ્ટ’ બનાવવામાં આવ્યુ  છે.રામનવમીના દિવસે 12 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો તથા સીનીયર સિટીઝનો માટે રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ રાખવામાં આવેલ જેમાં નાની ઉંમરના બાળકો તથા સીનીયર સિટીઝનો કુલ 5000થી વધુ અને પુખ્ત વયના કુલ 2500થી વધુ નાગરિકોએ મુલાકાત કરી હતી.તેમ મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ બાગ બગીચા અને ઝૂ કમિટીના ચેરમેન અનિતાબેન ગૌસ્વામીએ  જણાવ્યું હતું.

‘રામવન-ધ અર્બન ફોરેસ્ટ’ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક 47 એકર જમીનમાં અંદાજિત રૂ. 13.77 કરોડના ખર્ચે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનચરિત્ર, મૂલ્યો અને આદર્શો દર્શાવતું સમગ્ર ભારતભરનું પ્રથમ ઐતિહાસિક અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવેલ છે.રામવનના નિર્માણ અંગેનો મુખ્ય હેતુ ભારતનો સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસો જાળવી રાખવાનો છે, તેમજ  અત્યારના સમયમાં સિમેન્ટ કોંક્રિટના જંગલો વધી રહ્યા છે ત્યારે પ્રકૃતિના સમતોલન માટે મોટા પાયે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતે શ્રીરામના જીવન સાથેની થીમ જોડાતા આ જગ્યા લોકો માટે પૌરાણિક કાળનાં જીવંત અનુભવ જેવી બનાવી શકાય એવો ઉદ્દેશ્ય છે. જેનો મુખ્ય દરવાજો ધનુષબાણ આકારનો છે અને ભગવાનશ્રી રામના જીવનકવનને જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ઉપરાંત રામવનમાં રામ સેતુ બ્રીજ, એડવેન્ચર બ્રિજ, કુદરતી પાણીના સ્રોતનું નવીનીકરણ, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, 150ની કેપેસિટીનું એમફીથિયેટર, રાશિવન અન્ય આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે. તેમજ ભગવાન શ્રી રામના જીવન આધારીત જુદી જુદી 22 પ્રતિકૃતિ મુકવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.