ફટાકડાના સ્ટોલના લાઇસન્સ માટે માત્ર 80 અરજીઓ જ આવી: સ્થળ નિરિક્ષણ બાદ ફાયર બ્રિગેડ શાખા દ્વારા લાઇસન્સ અપાશે
દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાના કારણે આગ લાગવાના બનાવો મોટી માત્રામાં બનતા હોય છે. આવામાં આગના બનાવો લાગે ત્યારે તાત્કાલીક અસરથી સ્થળ સુધી પહોંચી શકાય તે માટે કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાંચ હંગામી ફાયર બ્રિગેડ સ્ટેશન ઉભા કરવામાં આવશે. સતત ટ્રાફીકથી ધમધમતા રહેતા વિસ્તારોમાં આ હંગામી સ્ટેશન ઉભા કરવામાં આવશે.
ફાયર બ્રિગેડ શાખાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ દર વર્ષે દિવાળીના તહેવારમાં આગ લાગવાની ઘટના વધુ માત્રામાં બનતી હોય છે. આવામાં ફાયર બ્રિગેડ શાખા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં હંગામી ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવે છે. આ વર્ષે પણ ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવશે. હંગામી ફાયર સ્ટેશન પર ફાયર ફાઇટર સહિતનો સ્ટાફ તૈનાત કરવામાં આવશે. જેના કારણે કોઇ વિસ્તારમાં જ્યારે આગ ભભૂકે ત્યારે સરળતાથી ત્યાં પહોંચી શકાય અને શક્ય તેટલી જાનમાલની હાની ઓછી થાય તે દિશામાં કામગીરી કરી શકાય.
દિવાળીના તહેવારને આડે માત્ર 13 દિવસ જ બાકી રહ્યા છે છતાં હજુ સુધી ફાયર બ્રિગેડ શાખામાં ફટાકડાના સ્ટોલ શરૂ કરવા માટે લાઇસન્સ આપવા અંગેની માત્ર 80 જેટલી જ અરજીઓ આવી છે અને જો કે અરજીઓની તપાસ ચાલી રહી છે અને હજુ અરજીઓ પણ મળી રહી છે. તંત્ર દ્વારા સ્થળ નિરિક્ષણ કર્યા બાદ જ લાઇસન્સ ઇશ્યૂ કરવામાં આવશે. ફટાકડાના દરેક સ્ટોલધારકે સ્થળ પર પાણીની ડોલ અને રેતી ભરેલી ડોલ ફરજીયાત રાખવી પડશે.
સાથોસાથ તમામ ફાયર સેફ્ટીના સાધનો રાખવા પડશે અને તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. શહેરમાં દરેક ચોકમાં ફટાકડાના સ્ટોલ શરૂ થઇ રહ્યા છે પરંતુ માત્ર ગણતરીના જ ધંધાર્થીઓ દ્વારા માત્ર લાઇસન્સ લેવામાં આવે છે. મોટાભાગના સ્ટોલ લાઇસન્સ વિના ધમધમતા હોય છે.