હેલ્થ કેરની જગ્યાએ પોલીટીકલ ગેમ રમવાનો આક્ષેપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત યોજના લોંચ કરી પરંતુ પાંચ રાજયોએ આ યોજનાને અમલમાં લાવવાનો ઈન્કાર કર્યો છે. જેમાં દિલ્હી, કેરળ, ઓરિસ્સા, પંજાબ અને તેલંગણાનો સમાવેશ થાય છે. આ રાજયોએ કહ્યું છે કે તેઓ ત્યાં સુધી આ યોજનામાં સામેલ નહી થાય જયાં સુધી તેમને આનાથી પણ વધારે સારી સ્વાસ્થ્ય સેવા ન મળે.

તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે તો આ યોજનાને ‘સફેદ હાથી’ કહ્યું છે. જયારે ઓરિસ્સા સરકાર તરફથી આ યોજનાને અમલમાં નહી લેવાની ખબર મળી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવીન પટનાયક સરકારને આડે હાથ લીધી. અને કહ્યું કે દરેક વ્યકિત આયુષ્યમાન ભારત યોજનાનુ મહત્વ જાણે છે. પરંતુ નવીન બાબુ કદાચ એ નથી સમજતા તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી નવીન પટનાયક આ યોજનાને નજર અંદાજ કરી ઓરિસ્સાની જનતાને સ્વાસ્થય વીમા યોજનાના લાભથી વંચિત કરી રહ્યા છે.

જયારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે પણ આયુષ્યમાન ભારત યોજનાને લાગુ કરવાનો ઈન્કાર કરી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલપર નિશાન તાકતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું આયુષ્યમાન ભારત યોજનાને નહી અપનાવવાનો દિલ્હીની આપ સરકારનો નિર્ણય સકીર્ણ માનસિકતા બતાવે છે.

તેમણે કહ્યું કે દિલ્હીમાં ભાજપના કાર્યકર્તા ઘરેઘરે જઈને લોકોને યોજનાથી બહાર રહેવાનો આપ સરકારનો નિર્ણય વિષે લોકોને કહેશે. શાહે એવું પણ ટવીટ કર્યું કે દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા માત્ર પોતાના રાજકીય સ્વાર્થ અને દ્વેષના કારણે પ્રદેશની જનતાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ‘આયુષ્યમાન ભારત’થી વંચિત રાખી રહ્યા છે. જે બાબત ખૂબજ દુ:ખદ અને નિંદનીય છે. આમ આદમી પાર્ટીની આવી નિમ્ન વિચારસરણીનું પરિણામ છે. દિલ્હીની ગરીબ પ્રજાને આયોજનાનો લાભ નહી મળે. ‘આપ’ને તેની આવી હિન રાજનીતિ માટે જનતાને જવાબ આપવો પડશે.

મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શરૂ થયેલી આ યોજના ‘આયુષ્યમાન ભારત’ને માત્ર પ્રચારનું એક માધ્યમ બનાવવામાં આવ્યું છે. તેવું કહેતા કેજરીવાલે ઉમેર્યું કે આ યોજના માત્ર એક ‘જુમલા’ સાબિત થશે ‘આપ’ સરકારે આ વીમા યોજનાને એક વધુ સફેદ હાથી કહ્યુંં છે. અને કહ્યું કે આ યોજના અંતર્ગત દિલ્હીમાં ૫૦ લાખમાં માત્ર છ લાખ પરિવાર જ લાભ ઉઠાવી શકશે.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારની આ આયુષ્યમાન ભારત યોજના બીન ભાજપ શાસીત રાજયોમાં હેલ્થકેરની જગ્યાએ મોદી કેર સાબીત થઈ રહી છે. તેવું તેમનું માનવું છે અને આ યોજના કરતા પણ સારી યોજનાઓનો લાભ તેમના રાજયની જનતા લઈ રહી હોવાનો દાવો કરી આ યોજનાનો અસ્વીકાર કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.