પોરબંદર દરિયામાં ફિશીંગ બોટમાં આગ લાગતા કોસ્ટગાર્ડ દ્વારા 5 ખલાસીઓના દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.પોરબંદરની જય ભોલે નામની ફિશિંગ બોટ દરિયામાં 50 કિમી દુર ફિશિંગ કરી રહી હતી ત્યારે તેમાં પ્રાયમસ ફાટવાના કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી આથી તેમાં રહેલા 7 ખલાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા.અને કોસ્ટગાર્ડની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરી તમામને બચાવી લીધા હતા.વિગતો અનુસાર કોસ્ટગાર્ડના પોરબંદર ખાતેના મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર ખાતે 9:-45 વાગ્યે મદદ માંગવામાં આવી હતી. કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર દ્વારા તુરંત તેની પ્રતિક્રિયા આપી કોસ્ટગાર્ડની ચાર્લી-161 અને ચાર્લી-156 ઇન્ટરસેપ્ટર શીપને તે તરફ વાળી હતી. અને પોરબંદરના કોસ્ટગાર્ડ એર સ્ટેશન ખાતેથી એક એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર પણ લોન્ચ કરાયું હતું.
કોસ્ટગાર્ડ શિપ અને હેલિકોપ્ટર દ્વારા તાત્કાલિક મદદે આવી દરિયામાં ડૂબતા ખલાસીઓને બચાવી લેવાયા
કોસ્ટગાર્ડ જહાજો 10:20 મીનીટે ફિશિંગ બોટ નજીક પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચ્યા પછી એવું જાણવા મળ્યું હતું કે ખલાસીઓ બોટ પરની આગને કાબુમાં લેવા નિક્ળ જતા બોટમાંથી દરિયામાં ઝંપલાવ્યું હતું.
જેમાંથી બે ખલાસીઓને નજીકમાં રહેલી અન્ય બોટે બચાવી લીધા હતા જયારે પ ખલાસી દરિયામાં લાપતા હતા આથી ખરાબ વાતાવરણ વચ્ચે પણ કોસ્ટગાર્ડ દ્વારા બે કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરી પાંચેય ખલાસીઓ શોધી હેલિકોપ્ટર મારફ્ત એર લીફ્ટ કરાયા હતા.
અન્ય ફિશિંગ બોટ દ્વારા બચાવાયેલા બે ખલાસીઓમાં એક ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળતા તેને પણ ચાર્લી-161 શીપ પર લાવવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પોરબંદર ખાતે લાવવામાં આવ્યો હતો. સળગી ગયેલી બોટે જળસમાધી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.