વિદેશ સ્થિત મહિલાના મકાનનો દસ્તાવેજ બનાવી બારોબાર વેંચાણ કરી નાખવાના કૌભાંડમાં મહિલા સહિત ૧૦ શખ્સો સામે ગુનો નોંધાયો’તો
શહેરના સોરઠીયાવાડી નજીક માસ્તર સોસાયટી શેરી નં.૧૩માં આવેલું એન.આર.આઈ મહિલાના મકાનનાં બોગસ દસ્તાવેજ બનાવી મકાન પચાવી પાડવામાં મહિલા સહિત ૧૦ શખ્સો પૈકી ૬ શખ્સોની જામીન અરજી અદાલતે ફગાવી નામંજુર કરતો હુકમ કર્યો છે.
વધુમાં શહેરના માસ્તર સોસાયટીમાં રહેતા જયશ્રીબેન દયાશંકર શુકલ નામના ૭૨ વર્ષીય નિવૃત શિક્ષિકાની હત્યાના બનાવની તપાસ દરમિયાન મૃતક વૃદ્ધ શિક્ષીકાના મકાનની બાજુમાં આવેલું મકાન વાસંતાબેન દુર્ગાશંકર પંચોલી નામના મહિલા વિદેશ રહેતા હોવાથી તે મકાન પચાવી પાડી બોગસ દસ્તાવેજના આધારે વેચાણ થયાનું ખુલ્યું હતું. આ બનાવમાં ભકિતનગર પોલીસ મથકના પી.આઈ વી.કે.ગઢવી ફરિયાદી બની લાલુભા બિપીનસિંહ ઝાલા, મામદ હુસેન, નુરમામદ શેરસીયા, કલ્પેશ ધીરૂ કુકડીયા, રાજેશ પરબત સોમાણી, રણજીત કરશન સરીયા, વિક્રમ અજીત પટેલ, આશિષ દિનેશ પંડયા, શાંતાબેન લાલજી પરમાર, કાંતીલાલ ઓધવજી લુહાર અને વિનુ પટેલ સહિત ૧૦ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી.
હાલ જેલ હવાલે રહેલા રાજેશ સોમાણી કોળી, રણજીત કોળી, કલ્પેશ કુકડીયા, આશિષ પંડયા, વિક્રમ પટેલે રેગ્યુલર અને વિનુ પટેલે પોલીસ ધરપકડની દહેશતથી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટમાં કરી હતી. જામીન અરજીમાં બંને પક્ષોની રજુઆત બાદ દસ્તાવેજી પુરાવા તપાસનીશ અધિકારીના સોગંદનામું અને વિવિધ કોર્ટના ચુકાદા બાદ સરકાર પક્ષની દલીલમાં જામીન ઉપર છુટતાની સાથે જ આ પ્રકારના આરોપીઓ પોતાના વિરુઘ્ધના પુરાવાઓ સગે-વગે કરે અથવા તો સાક્ષીઓને ફોડે તેવી પુરેપુરી શકયતાઓ રહેલી છે.
આ કારણે જો આરોપી વિરુઘ્ધ ગુનો નોંધાયાના ૧૦ દિવસમાં જામીન મુકત કરવામાં આવે તો ગુનાની ન્યાયિક તપાસ થવામાં નિવાર્ય અવરોધો ઉભા થાય જેનો સીધો લાભ તમામ આરોપીઓને મળે. આ તમામ કારણોસર હાલના તબકકે આરોપીઓને આગોતરા કે રેગ્યુલર જામીન ઉપર છોડવા જોઈએ નહીં. આ તમામ રજુઆતોને ધ્યાનમાં લઈને અધિક સેશન્સ જજ એચ.એ.બ્રહ્મભટ્ટે રેગ્યુલર તથા આગોતરા જામીન અરજીઓ નામંજુર કરેલ છે.
આ કેસમાં જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે.વોરા તથા મદદનીશ સરકારી વકિલ તરૂણભાઈ માથુર રોકાયેલા હતા.