જેલમાં ત્રણ વર્ષ પહેલાં થયેલા ઝઘડાના કારણે વિપ્ર યુવાન ફરી જેલમાં આવ્યો ત્યારે માર માર્યો
જેલમાં માથાભારે કેદીઓ ગેંગ બનાવી જેલમાં એકલ દોકલ કેદી પર રોફ જમાવવાની અને પોતાની મનમાની કરાવવાની ઘટના હિન્દી ફિલ્મમાં જોવા મળે છે તે રીતે રાજકોટની મધ્યસ્થ જેલમાં હત્યાની કોશિષના કાચા કામના કેદી પર અન્ય પાંચ કેદીઓએ ઢીકાપાટુ મારી જમણો હાથ ખેડવી નાખતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાછળ ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં રહેતા અને ઉમંગ ગોવિંદ પટેલ પર ફાયરિંગ કરી હત્યાની કોશિષના ગુનામાં જેલ હવાલે થયેલા ઇશાન ભીખા જોષી નામના ૨૬ વર્ષના વિપ્ર યુવાનને મધ્યસ્થ જેલમાં આકાશ, સંજય, જયદેવ, હિરેન ભોગીલાલ ઉર્ફે ભીખો નામના શખ્સો જેલમાં માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ગઇકાલે સાંજના જેલમાં તમામ કેદીઓએ જમી લીધા બાદ હિરેન ભોગીલાલ વિપ્ર યુવાન ઇશાન જોષી પાસે આવ્યો હતો અને તને સંજય મિયાત્રા બોલાવે છે તેમ કહી બેરેકના બાથરૂમ પાસે લઇ જઇ પાંચેય શખ્સોએ ઢીકાપાટુ મારી હાથ ખેડવી નાખ્યાનું ઇશાન જોષીએ જણાવ્યું છે.
કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાસે ફાયનાન્સનો ધંધો કરતા ઇશાન જોષી ત્રણેક વર્ષ પહેલાં હત્યાના ગુનામાં જેલમાં હતો ત્યારે સંત કબીર રોડ પર ભરવાડ યુવાનની હત્યાના ગુનામાં રહેલા સંજય મિયાત્રા સાથે ઝઘડો થયો હતો. સંજય મિયાત્રાએ જેલના અધિકારીઓને કહીને ઇશાન જોષી પાસે રહેલો મોબાઇલ પકડાવી દીધો હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો દરમિયાન ઇશાન જોષીનો જેલમાંથી છુટકારો થયો હતો.
દરમિયાન ગત ફેબ્રુઆરી માસમાં પૂષ્કરધામ પાસે મિત્રની જન્મ દિવસની પાર્ટી દરમિયાન ઝઘડો થતા વિશાલ ભીખા જોષી, ઇશાન જોષી, મિલનસિંહ મહિપતસિંહ ચુડાસમા અને ડેનિશ ભરત દેસાણી તેમજ રમેસ કાના લાવડીયાએ ઉમંગ પટેલ પર ફાયરિંગ કરી હત્યાની કોશિષ કરતા પાંચેયને જેલ હવાલે કરાયા હતા. ઇશાન જોષી સિવાયના તમામનો જામીન પર છુટકારો થયો હતો.
ઇશાન જોષી અને સંજય મિયાત્રા વચ્ચે ત્રણેક વર્ષ પહેલાં જેલમાં થયેલા ઝઘડાના કારણે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જસદણ અને જૂનાગઢના ચાર શખ્સો ૧૮ પિસ્તોલ અને તમંચા સાથે ઝડપાયા
ભાવનગરમાં થયેલી હત્યાના કારણે ચાલતી અદાવતના કારણે સ્વબચાવ માટે મધ્યપ્રદેશથી ઘાતક હથિયારનો જંગી જથ્થો લાવ્યાની કબુલાત
ભાવનગર અને જસદણમાં હત્યા અને હત્યાની કોશિષ સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા મુસ્લિમ શખ્સો પિસ્તોલ અને દેશી બનાવટના તમંચા સહિત ૧૮ જેટલા ઘાતક હથિયાર સાથે અમદાવાદમાં આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ચાર શખ્સોને હથિયાર સાથે ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના જશોદાનગરમાં પાસેથી જસદણના વસીમ ઇકબાલ કથીરી, અફઝલ ઉર્ફે રાજા ગફાર માંડલીયા, જૂનાગઢના સિકંદર ઉર્ફે બાબુ લિયાકતઅલી સૈયદ અને અમદાવાદના ઇમરાનખાન મહેબુબખાન પઠાણ નામના શખ્સોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. ડી.બી.બારડ અને પી.એસ.આઇ. વી.એચ.જાડેજા સહિતના સ્ટાફે જી.જે.૩કેપી. ૫૮૭૬ નંબરની કારમાં પસાર થતા ઝડપી તેની તલાસી લેતા ૯ પિસ્તોલ, ૧૦ તમંચા, ૩૭ જીવતા કારતુસ અને પાંચ મોબાઇલ મળી આવતા ચારેય શખ્સોની હથિયારધારા ભંગ અને આમ્સ એકટના ગુનામાં ધરપકડ કરી છે.
ચારેય શખ્સોની પૂછપરછ કરતા જસદણના વસીલ ઇકબાલ સામે ૨૦૧૪માં કાનાભાઇ કાઠીના ખૂનના ગુનો નોંધાયો હતો. તેમજ ૨૦૧૭માં ભાવનગરમાં બે સ્થળે ફાયરિંગ કરવાના ગુનામાં ગોંડલ જેલ હવાલે થયો હતો. ગોંડલ જેલમાં અમદાવાદના ઇમરાનખાન પાસા હેઠળ ગોંડલ જેલ હવાલે થયો હતો જ્યારે જૂનાગઢના સિંકદર સૈયદ જેતપુર પાસે પકડાયેલા દારૂના ગુનામાં ગોંડલ જેલ હવાલે થતા ત્રણેય પરિચયમાં આવ્યા હતા ત્યારે જસદણ વસીમ કથીરીએ પોતાને અદાવત ચાલતી હોવાથી હથિયારની જરૂર હોવાનું તેમજ પોતાના ફૈબાના પુત્ર સમદ અબેદ આરબનું ભાવનગર ખાતે ખૂન થયું હોવાથી ત્યાં પણ અદાવત ચાલતી હોવાથી હથિયારની જરૂર હોવાથી અમદાવાદના ઇમરાનખાન પઠાણે મધ્યપ્રદેશથી હથિયાર અપાવી દેવાની વ્યવસ્થા કરી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.