નકકી કરાયેલા પાંચ સ્થળો સિવાયની જગ્યાએ વિસર્જન તેમજ મંજુરી વગર વિસર્જન કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ
ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ ૨૦૧૮ નિમિતે રાજકોટ શહેરમાં જુદા-જુદા મહારાષ્ટ્રીયન મંડળો તથા જુદા જુદા ધાર્મિક સંગઠનો તરફથી જુદા-જુદા લતાઓમાં લોકો પોતાના ઘરમાં અને સંસ્થાઓમાં પણ ભગવાન ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરનાર છે.
સ્થાપના કરનાર ગણપતિજીની મૂર્તિઓને ત્રીજા દિવસે, પાંચમાં દિવસે સાતમા દિવસે અથવા નવમા દિવસે અને ખાસ કરીને અગિયારમાં દિવસે મૂર્તિઓનું વિસર્જન કરી ગણેશ ઉત્સવનું સમાપન કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને પર્યાવરણ પર વિપરીત અસર ન થાય તથા જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેમને મળેલી સતા અને અધિકારની એ નીચે મુજબનો હુકમ કરેલ છે.
ગણેશ મૂર્તિ વિસર્જન માટે ચીફ ફાયર ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નીચે જણાવેલ સ્થળોએ ગણપતિજીની મૂર્તિ વિસર્જિત કરવા માટે સુનિશ્ચીત કરવામાં આવે છે જેથી આ સ્થળોએ જ ગણેશની મૂર્તિ વિસર્જન કરવાની રહેશે. આજી ડેમ ઓવરફલો નીચે ચેક ડેમ ખાણ નં.૧, આજીડેમ ઓવરફલો નીચે ચેક ડેમ પાસે ખાણ નંબર ૨, પાળ ગામ પાસે જખરાપીરની દરગાહ પાસે મવડી ગામથી આગળ જામનગર રોડ, હનુમાનધારા મંદિરની બાજુમાં, વાગુદડના પાટીયા પાસે, વાગુદડીયો વોકળો, બાલાજી વેફર્સવાળો બ્રિજ, કાલાવડ રોડનો સમાવેશ થાય છે.
આગામી તા.૧૩ થી ૩૦ દરમિયાન સક્ષમ સતાધિકારીની પૂર્વ મંજુરી વગર ગણેશજીની મૂર્તિ વિસર્જન, ધાર્મિક સરઘસ કાઢી શકાશે નહીં. કોઈપણ વ્યકિત ઉપર જણાવેલ પાંચ સ્થળો સિવાય અન્ય કોઈ સ્થળોએ ગણેશજીની મૂર્તિ વિસર્જન કરી શકશે નહીં. કોઈપણ આયોજક વ્યકિતઓ પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળ સ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી ગણેશજીની મૂર્તિ વિસર્જન કરી શકશે નહીં.
મૂર્તિ વિસર્જન માટે સરકારના વનવિભાગ, કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નકકી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મૂર્તિ વિસર્જન કરી શકશે નહીં અને આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.