ના હોય… રાજકોટમાંથી હવે વાળની પણ લૂંટ!!
જુદા જુદા સ્થળોએથી ભેગા કરેલા ૪૦ કિલો માથાના વાળના બે કોથરા લૂંટી ગયા: આરોપી સંકજામાં
પોલીસે પાચ શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ ચલાવી: જાણભેદુ હોવાની શંકા
રાજકોટમાં આંગણિયા લૂંટ અથવા સોનાના ચેઇનની લૂંટના અનેક બનાવો છાસવારે નોંધાતા હોય છે. પરંતુ ગઇ કાલે સાંજના સમયે મોરબી રોડ પરથી બે બાઈક સવારને આંતરી પાચ શખ્સોએ રૂ.૨ લાખની કિંમતના ૪૦ કિલો માથાના વાળની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે પાચ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં રહેતા અને છેલ્લા ઘણા વર્ષોથી માથાના વાળનો હોલસેલ વેપાર કરતા મોરબીના પુષ્પેન્દ્રસિંગ બાબુસિંગ વણઝારા નામના ૨૪ વર્ષીય યુવાન અને તેનો મિત્ર નાગેશ્વર ચૌહાણ બંને ગઇ કાલે રાજકોટથી વાળ ભેગા કરી મોરબી જતા હતા ત્યારે અતિથિ દેવો ભવ હોટલ પાસે રીક્ષા અને કેટીએમ બાઈક પર આવેલા પાચ શખ્સોએ રૂ.૨,૦૮,૪૦૦ની કિંમતના ૪૦ કિલો વાળની લૂંટ ચલાવી હતી.
આ અંગે પુષ્પેન્દ્રસિંગ વણઝારા પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે છેલ્લા દસ વર્ષથી વાળનો વેપાર કરે છે ગઈકાલે રાજકોટમાં રૈયા ગામ વિસ્તારમાં રહેતા પરસોતમભાઈ પાસેથી 16 કિલો વાળ લીધા હતા. જેના રૂ.૬૫,૦૦૦ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને રૂ.૬૦,૦૦૦ રોકડા આપ્યા હતા. ત્યાંથી પરસોતમભાઈ અન્ય સ્થળે પણ ફરિયાદીને વાળ લેવા માટે લઈ ગયા હતા. ફરિયાદ અને તેના મિત્ર વાળ લઈને મોરબી તરફ જવા રવાના થયા હતા.
તે દરમિયાન રૈયા ચોકડી પાસેથી કેટીએમ બાઈક પર બે શખ્સો પીછો કરવા લાગ્યા હતા. પુષ્પેન્દ્રસિંહ અને તેનો મિત્ર બાઇક પર મોરબી રોડ પરથી પસાર થતા હતા ત્યારે અતિથિ દેવો ભવઃ હોટલ પાસે રિક્ષામાં આવેલા ત્રણ શખ્સોએ બાઈક રોકી પાછળથી આવેલા અન્ય બે શખ્સોએ ધમકીઓ આપી રૂ.૨ લાખની કિંમતના ૪૦ કિલો વાળ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એમ.જી.વસાવા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસને લૂંટને અંજામ આપવામાં કોઈ જાણભેદુ જ હોવાની શંકાનાં આધારે સીસીટીવી ફૂટેજ જોઈ તપાસનો ધમધમાટ ચલાવી લૂંટારૂઓને સંકજામાં લઈ લીધા હોવાનુ જાણવા મળ્યું છે.