રૂ.20 કરોડની સોડા ફેકટરી ખરીદ કર્યા બાદ દેણામાં ફસાતા રાજુલાના શખ્સે રાજકોટના મિત્રો સાથે મળી પૂનાથી રૂ.500ના દરની 4,67,100 જાલી નોટ મંગાવ્યાની કબુલાત
સીનર્જી હોસ્પિટલ સામે લોર્ડઝ હોટલ ઉપર વિમલ સોનીની ઓફિસમાં જાલીનોટ મંગાવાનું અને આંગડીયા પેઢી દ્વારા નકલી નોટ અસલી બનાવવાનું કાવતરુ ઘડાયું
શના અર્થ તંત્રને ખોખલુ કરવાના જાલીનોટના ખૌફનાક કાવતરાનો પોલીસે પર્દાફાશ કરી રાજુલાના મુખ્ય સુત્રધાર સહિત પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી કરેલી પૂછપરછ દરમિયાન જાલીનોટ પૂનાથી સપ્લાય થયાનું બહાર આવતા પોલીસે તપાસનો દોર પુના સુધી લંબાવી પુનાના શખ્સને ઝડપી લીધો છે. રાજકોટથી ઝડપાયેલા પાંચેય શખ્સોને ચાર દિવસના રિમાન્ડ પર મેળવી તેની પાસેથી રુા.500ના દરની 224 જાલીનોટ કબ્જે કરી છે. જાલીનોટ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું છે?, પુનામાં કંઇ રીતે જાલીનોટ બનાવવામાં આવતી અને અન્ય કોણ સંડોવાયું છે તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ હાથધરવામાં આવી છે.
જાલીનોટ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની અને રૂ.35 લાખનું નકલી ચલણ ઘૂસાડ્યાની શંકા સાથે તપાસ
પુનાનો કમલેશ જાલીનોટ કંઇ રીતે બનાવતો અને રાજુલાના ભરત બોરીચા સિવાય અન્ય કોને આપતો?
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી એક્સિસ બેન્કના ભરણામાં રુા.500ના દરની જાલીનોટ આવ્યા અંગેની બેન્કના કેશિયર આશિષભાઇએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બેન્કના ભરણામાં કંઇ રીતે જાલીનોટ આવી તે અંગે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઇ, એ ડિવિઝન પીઆઇ ભુકણ, પીએસઆઇ બી.એચ.પરમાર, એએસઆઇ મહેશભાઇ લુવા અને ભરતસિંહ ગોહિલ સહિતના સ્ટાફે ઉંડાણ પૂર્વક તપાસ શરુ કરતા સંદિપભાઇ સગપરીયા નામની વ્યક્તિએ યાજ્ઞિક રોડ પરના પી.એમ.આંગડીયા પેઢીમાંથી રુા.5 લાખ ઉપાડી એક્સિસ બેન્કમાં જમા કરાવ્યા તેમાં 500ના દરની 31 જાલીનોટ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે પી.એમ.આંગડીયા પેઢીમાં તપાસ કરતા મુળ રાજુલાના વતની અને હાલ સાધુ વાસવાણી રોડ પર ગીતાજંલી કોલેજ પાસે રહેતા ભરતભાઇ ઉર્ફે કિશોરભાઇ મેરામભાઇ બોરીચા નામના કાઠી શખ્સે પી.એમ.આગડીયા પેઢીમાં જમા કરાવ્યાનું બહાર આવ્યું હતું.
પોલીસે ભરત બોરીચાની પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને સમગ્ર કૌભાંડનો સુત્રધાર પોતે હોવાની કબુલાત આપી હતી. ન્યુ ગુજરાત કોલા પ્રા.લી. નામની સોડાની કંપની રુા.20 કરોડમાં ખરીદ કરી હતી. કંપની શરુ કરવા માટે સગા-સંબંધી પાસેથી હાથ ઉછીના રુપિયા લીધા હતા. તે દરમિયાન કોરોના કારણે લોક ડાઉન થતા કંપનીમાં મોટા પ્રમાણમાં નુકસાની આવી જતા પોતે દેણામાં ફસાયો હતો. પોતાને આ ઉપરાંત રાજુલામાં લોખંડ અને સિમેન્ટ ફેકટરીનું કામ કરે છે. છ માસ પહેલાં પોતાની સોડા કંપની વેચાવા માટે કાઢી હતી પરંતુ વેચાણ ન થતાં વધુને વધુ દેણામાં ફસાતા હોવાની બાબરાની રામનગર સોસાયટીમાં રહેતા તેજશ ઉર્ફે ગોપાલ રાજુ જસાણીને વાત કરી હતી. તેને દેણામાંથી બહાર આવવા માટે જાલીનોટ અંગે વાત કરી હતી. અને રાજકોટ સ્પ્રીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આવેલા પેન્ટાગોનમાં રહેતા વિમલ બીપીન થડેશ્ર્વરનો પરિચય કરાવ્યો હતો.
વિમલ સોનીએ પોતાની 150 ફુટ રીંગ રોડ પર સીનર્જી હોસ્પિટલ સામે લોર્ડઝ હોટલ ઉપર આવેલી ઓફિસે બોલાવી પોતાના ભાઇ મયુર સોનીનો પરિચય કરાવ્યો હતો. બંને ભાઇઓએ પુનાના કમલેશ નામનો શખ્સ જાલીનોટનો કાળો કારોબાર ચલાવતો હોવાનું જણાવી તે 45 ટકાથી જાલીનોટ રાજકોટ પહોચતી કરતો હોવાનું જણાવી તેનનો પરિચય કરાવ્યો હતો. ત્યારે તેને રુા.500ના દરની 930 નોટ રુા.2 હજારના દરની એક નોટ અને રુા.100ના દરની એક નોટ મળી કુલ રુા.4,67,100 આપ્યા હતા પરંતુ રુા.2000ના દરની અને રુા.100ના દરની નોટનું પિન્ટીગ નબળુ હોવાથી બંને નોટ ફાડી નાખી હતી અને રુા.500ના દરની નોટના બદલામાં પુનાના કમલેશને 45 ટકાના હિસાબે રુા.2.10 લાખ આપી દીધા હતા.
ત્યાર બાદ જાલીનોટની સાથે અસલી નોટ મિકસ કરવા માટે રાજુલાના એચ.એમ.આંગડીયા દ્વારા 500ના દરની રુા.7 લાખની અસલી નોટ મગાવી હતી. નકલી અને અસલી નોટ મિકસ કરી ભરત બોરીચાએ સૌ પ્રથમ જામનગરના દિગ્વીજય વિસ્તારમાં આવેલા વી.પટેલ આંગડીયા પેઢીમાં રુા.5 લાખ રાજુલા ખાતે મોકલ્યાહતા. તે રકમ પોતે જ કિશોરના નામે રાજુલાથી મેળવી લીધી હતી. ત્યાર બાદ એક લાખ રાજકોટથી રાજકોટથી ભાવનગર ખાતેના વેપારી શિવાંગભાઇને ચુકવવા માટે મવડી વિસ્તારમાં આવેલા પી.એમ.આંગડીયા દ્વારા મોકલ્યા હતા. ત્યાર બાદ બે વખત રુા.5-5 લાખ આંગડીયા દ્વારા ભાવનગર શિવાંગભાઇને મોકલ્યા હતા. તેમાં રુા.65 હજારની 500ના દરની નોટ પોતાના ઘરે રાખી દીધી હતી.
ત્યાર બાદ યાજ્ઞિક રોડ પર આવેલા પી.એમ.આંગડીયાના કર્મચારી રવિભાઇએ ભરત બોરીચાને ફોન કરી જાણ કરી હતી કે, તેને જે રકમ જમા કરાવી છે તે રકમમાં રુા.3.50 લાખ બબલુભાઇ નામના વ્યક્તિને આપી હતી જેમા 500ના દરની 193 નોટ જાલી છે. સંદિપભાઇ સગપરીયાને આપેલા રુા.50 હજારમાં 31 નોટ નકલી હોવાની કબુલાત આપી હતી.
પોલીસે ભરત બોરીચાના મિત્ર ગુરુપ્રિતસિંહ ઘનશ્યામદાસ કારવાણી જાલીનોટ આંગડીયા દ્વારા ચલણમાં ફરતી કરવાના કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવતા તેની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પાંચેય શખ્સોને દસ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે ચાર દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.
જાલીનોટમાં પૂનાના કમલેશ સાથે અન્ય કોણ સંડોવાયું છે અને કયાં કયાં શહેરમાં જાલીનોટ મોકલી છે તેમજ કંઇ રીતે જાલીનોટ બનાવતો તે અંગેની વિગતો કમલેશ રાજકોટ આવ્યા બાદ બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રોએ જણાવ્યું છે.
રાજુલામાં ભરત બોરીચાને બે નંબરના અનેક વ્યવસાય અંગે ઉંડી તપાસ જરૂરી
જાલીનોટ કૌભાંડના સુત્રધાર તરીકે ઝડપાયેલા રાજુલાના ભરત ઉર્ફે કિશોરભાઇ મેરામભાઇ બોરીચાને પોતાના વતનમાં સિમેન્ટ અને લોખંડનો મોટો વ્યવસાય છે. તેમાં પણ અનેક ગેરરીતી સાથે બે નંબરનો વ્યવસાય હોવાનું બહાર આવ્યું છે. રાજુલામાં મહેશભાઇ નામની વ્યક્તિ પાસેથી ત્રણ વર્ષ પહેલાં ન્યુ ગુજરાત કોલા પ્રાઇવેટ લીમીટેડ નામની સોડાની કંપની રૂ.20 કરોડમાં ખરીદ કર્યાનું પોલીસ સમક્ષ કબુલાત આપી કોરોનાના કારણે પોતે દેણામાં આવી ગયાની કબુલાત આપી છે. ખરેખર ફેકટરી અંદાજે 10 કરોડની હોવાનું અને હાલ બંધ નહી પણ ચાલુ જ છે. પોતાના બે નંબરના વ્યવસાય અંગે કોઇ કંઇ ન બોલે તે માટે ગામમાં કથા કરાવી અને મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને જાત્રા કરાવી હોવાનું બહાર આવ્યું છે.