લાકડી વડે માર મારી દુકાનમાં તોડફોડ કરી રૂ.27,450ના મુદ્દામાલની લૂંટ કર્યાનો આક્ષેપ
શહેરના રૈયારોડ પર દારૂના નશામાં મિત્રએ ગાડી લે વેંચના ધંધાર્થીને ગાળો ભાંડી હતી જે અંગે બીજા દિવસે ફોન કરી સમજાવતા ઉશ્કેરાઈ ગયેલા મિત્રોએ રૈયા ચોકડી પાસે જય અંબે મોબાઇલ એન્ડ ઇલેક્ટ્રોનિક નામની દુકાને બેઠેલા ગાડી લે વેચના ધંધાર્થી મિત્ર પર હુમલો કરી માર માર્યો હતો અને દુકાનમાં રહેલી રૂ.27,450ની લૂંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં બાપાસીતારામ મઢુલી પાસે રહેતા મહિપતસિંહ દિલીપસિંહ સોલંકી નામનો 35 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં રૈયા ચોકડી પાસે પોતાના મિત્ર વિશાલ મહેતાની જય અંબે મોબાઇલ એન્ડ ઇલેક્ટ્રોનિક નામની દુકાને બેઠો હતો. ત્યારે અજય ચુડાસમા અને કિશન સહિતના પાંચ શખ્સો ધસી આવ્યા હતા અને મહિપતસિંહ સોલંકી સાથે ઝઘડો કરી માર મારી દુકાનમાં તોડફોડ કરી હતી અને દુકાનમાં રહેલી રૂ. 27,450ની રોકડ રકમની લૂંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે હુમલામાં ઘવાયેલા મહિપતસિંહ સોલંકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જેમાં પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યા મુજબ ઇજાગ્રસ્ત મહિપતસિંહ સોલંકી ગાડી લે વેચનો ધંધો કરે છે અને હુમલાખોર શખ્સો તેના મિત્રો છે. હુમલાખોર શખ્સોએ દારૂના નશામાં મહિપતસિંહ સોલંકીને ગાળો ભાંડી હતી. જેથી બીજા દિવસે મહિપતસિંહ સોલંકી મિત્રોને ફોન કરી દારૂના નશામાં ફોન કરી ગાળો નહીં આપવા સમજાવ્યું હતું જેથી ઉશ્કેરાયેલા મિત્રોએ તું ક્યાં છો તેમ પૂછતા મહિપતસિંહ સોલંકી રૈયા ચોકડી પાસે આવેલી જય અંબે મોબાઇલ એન્ડ ઇલેક્ટ્રોનિક નામની દુકાને બેઠો હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ આ શખ્સોએ રૈયારોડ પર જય અંબે નામની દુકાન પર આવી મહિપતસિંહ સોલંકીને માર માર્યો હતો અને સાથે તેના મિત્રની દુકાનમાં તોડફોડ કરી લુંટ ચલાવી હોવાનું પણ યુવાને આક્ષેપ કર્યા હતા. ગાંધીગ્રામ પોલીસે બનાવની નોંધ કરી આરોપીની શોધખોળ હાથધરી છે.