આંગડિયા પેઢીના સંચાલકને આંતરી મરચાની ભૂકી આંખમાં છાંટી રૂપિયાનો થેલો લૂંટી જતા ચકચાર
અબતક-રણજિતસિંહ ધાંધલ-ચોટીલા
ઝાલાવાડ પંથકમાં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચોટીલામાં આંગડિયા પેઢીના સંચાલકને આંતરી આંખમાં મરચું છાંટી પાંચ શખ્સોએ રિવોલ્વર બતાવી રૂ.૭૫ લાખની દિલધડક લૂંટ ચલાવતા ઝાલાવાડ પંથકમાં ચકચાર મચી ગયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલામાં ખાંડી પ્લોટમાં આવેલી બેસ્ટ આંગડિયા પેઢી ચલાવતા ગિરીશભાઈ પુજારા ઓફિસથી ઘર તરફ જતા હતા ત્યારે પાંચેક શખ્સોએ ગીરીશભાઈનું બાઇક આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટી રિવોલ્વર જેવું હથિયાર બતાવી રૂ.૭૫ લાખ રોકડા ભરેલો થેલો તફડાવી નાસી ગયા હતા.
આંગડિયા સંચાલકનું બાઇક રોકતા જ તેઓએ બુમ-બરાડા કરતા બે શખ્સોએ હથિયાર બતાવ્યું હોવાનું સામે આવ્યું છે. લૂંટારુઓએ રિવોલ્વર જેવું હથિયાર બતાવી થેલો ઝટવી બે બાઇક પર નાસી ગયા હતા. ગીરીશભાઈ પુજારા છેલ્લા ૧૪ વર્ષથી આંગડિયા પેઢીનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ગઈ કાલે સાંજે પોતાની આંગડિયાની ઓફિસથી ચિત્રકૂટ સોસાયટીમાં પોતાના ઘરે જતા હતા ત્યારે અગાઉથી જ ગોઠવણી કરીને બેઠેલા લૂંટારુઓએ સંચાલકને આંતરી રોકડા રૂ.૭૫ લાખ ભરેલો થેલો આંતરી પાંચેય શખ્સો ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા પોલોસનો કાફલો અને એલસીબીની ટિમ દોડી ગઈ હતી. મોડી રાત્રે આંગડિયા પેઢીના સંચાલક ગીરીશભાઈ પુજારાની ફરિયાદ પરથી પોલીસે નાકાબંધી કરી વધુ તપાસ હાથધરી છે.
ચોટીલા પંથકમાં ચોર અને લૂંટારા બેફામ થતા ગ્રામજનોની પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ
ચોટીલા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના બનાવ વધી રહ્યા છે. જેના કારણે ઇન્ચાર્જ પીઆઇ જે.ઝેડ.ઓડેદરા સહિતના સ્ટાફની કામગીરી નિષ્ક્રિય હોવાની ફરિયાદ ગ્રામજનોમાં ચર્ચાઈ રહી છે. ઇન્ચાર્જ પીઆઇ ઓડેદરા દ્વારા પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થા સાચવવા માટે કોઈ કામગીરી ન કરતા હોવાનું ગ્રામજનોએ રટણ રચી રહ્યા છે. જેથી હવે પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે કડક માંગ કરી છે.