ઘોઘાના પીએસઆઈ વતી વચેટીયો ૮ હજાર સ્વીકારતો રંગેહાથે ઝબ્બે
બામણબોરના ફોજદાર વતી બે લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયા: વોન્ટેડ બુટલેગરને સરભરા નહીં કરવા માંગી લાંચ
રાજયમાં આજે જુદા જુદા સ્થળોએ લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમ્યાન ચોટીલા, ઘોઘા, પાટણ ખાતે ગોઠવાયેલા છટકામાં બે ફોજદાર, કોન્સ્ટેબલ, બે આરોગ્ય વિભાગના અધિકારી અને વચ્ચેટીયા સહિત લાંચ લેતા ઝડપાતા લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોર પોલીસ મથકના સબ ઈન્સ્પેકટર કે.કે.કલોતરા તથા આણંદપુર અગાઉ પોસ્ટના હેડ કોન્સ્ટેબલે દારૂના કેસમાં આરોપી ઝડપવાના બાકી હતા તેને મારકુટ ન કરવા તથા વાહન સહિતની કેટલીક બાબતો છુપાવવા ફરાર આરોપી પાસે લાંચ રૂ.૩ લાખમાં સોદો થયેલ ત્યારે ફરાર આરોપી તરફથી આ મામલે રાજકોટ વિભાગની લાંચ રૂશ્વત કચેરીમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઈન્સ્પેકટર સી.જે.સુરેજા તથા મદદનીશોએ ગોઠવેલ છટકામાં સબ ઈન્સ્પેકટર સાથે વાતચીત કરી હેડ કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ જવા પામેલ.
બનાવની વિગતો અનુસાર લાંચ રૂશ્વત વિરોધી રાજકોટ વિભાગીય કચેરીમાં ફરિયાદીએ નોંધાવેલ ફરિયાદમાં અગાઉ દારૂની હેરફેર-વેચાણના પ્રકરણમાં ફરાર આરોપી તથા તેના સાગ્રીતોને પોલીસમાં રજૂ કરવા સમયે પોલીસ તરફથી મારકુટ તથા વધુ પરેશાની ન કરવા અને ફરિયાદીના ભાઈના વાહનની વિગતો છુપાવવા સબ ઈન્સ. કે.કે.કલોતરા અને હેડ કોન્સ. પ્રતાપસિંહે રૂ.૨ લાખની લાંચ માંગેલ હતી જે સંદર્ભે વિભાગીય કાર્યવાહક નિયામક કે.બી.ચુડાસમા તથા પોલીસ ઈન્સ્પેકટર સી.જે.સુરેજા સમક્ષ ફરિયાદ નોંધાવેલ હતી.
લાંચ રૂશ્વત વિરોધી શાખાના અમલદાર કે.બી.ચુડાસમાના માર્ગદર્શનમાં તથા પોલીસ ઈન્સ્પેકટર સી.જે.સુરેજા તથા મદદનીશોએ ફરિયાદી પાસેથી એકત્ર કરેલ વિભાગોના આધારે ચોટીલાની રેફરલ હોસ્પિટલના દરવાજા પાસે લાંચની રકમ રૂ.૨ લાખ પીએસઆઈ સાથે મોબાઈલ ફોનમાં વાતચીત કર્યા બાદ સ્વીકારતા એસીબીના ઈન્સ્પેકટર સી.જે.સુરેજા તથા મદદનીશોએ ગોઠવેલ છટકામાં આબાદ રીતે સપડાયા જતા તેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ પ્રકાણે સબ ઈન્સ. કે.કે.કલોતરાની શોધખોળ ચલાવાય રહી છે.
પાટણ: ભુજ (કચ્છ) લાંચ રૂશ્વત વિરોધી શાખાને મળેલ ફરિયાદ અનુસાર પાટણ પોલીસમાં સહાયક સબ ઈન્સ. રૂ.૩૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયેલ છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં રેતી અને માટીના ટ્રેકટર ચલાવવા બાબતે ઘોઘા પોલીસ મથકના પીએસઆઈ એસ.એમ.રાણા દ્વારા ટ્રેકટર દીઠ માસીક રૂ.૪ હજારની માંગણી કરતા બે ટ્રેકટર ચાલકો દ્વારા આ અંગે એસીબી શાખાનો સંપર્ક કર્યો હતો.
બોટાદ લાંચ રૂશ્વત વિરોધી શાખાના પીઆઈ બી.પી.ગાધેર સહિતના સ્ટાફે આજે ઘોઘા રોડ પર આવેલ અને ભાવનગર ખાતે રહેતા રામજી પરસોતમ પટેલ નામના શખ્સના ફોર્મ હાઉસ ખાતે છટકુ ગોઠવ્યું હતું જે છટકામાં ફોજદાર એસ.એમ.રાણા વતી રામજી પરસોત્તમ પટેલ રૂ.૮ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયો હતો. આ લાંચની જાણ થતા પીએસઆઈ એસ.એમ.રાણા ભુગર્ભમાં ઉતરી ગયા હતા. જેને ઝડપી લેવા સ્ટાફ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે.
જૂનાગઢ એકમના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ બોટાદ એ.સી.બી.ના પીઆઈ બી.પી.ગાધેર સહિતના સ્ટાફે સફળ છટકુ ગોઠવ્યું હતું.