યુનિર્વસિટી રોડ પર આવેલા અરીવા વેલનેશ એન્ડ હેલ્થ કેર નામના સ્પામાં ‘રોકડી’ કરવા ગયેલા નકલી પત્રકાર સહિત પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોકડી પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા સ્પાના સંચાલક સંજય ટીકારામ સોની નામના 20 વર્ષના યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના યુનિર્વસિટી રોડ પર આવેલા અરીવા વેલનેશ એન્ડ હેલ્થ કેર નામના સ્પામાં ગઇકાલે બપોરે બે શખ્સો મસાજ માટે આવ્યા હતા. એક સગીર હતો અને બીજો રવિ નામનો શખ્સ હતો. બંને શખ્સોએ રૂા.1-1 હજાર ચુકવી મસાજ કરાવ્યું હતું. મસાજ દરમિયાન પોતાનો સોનાનો ચેન ચોરાઇ ગયાનું જણાવી રૂમમાં જઇ ચેક કર્યુ હતું. મસાજ કરેલી મહિલાઓની પૂછપરછ કરી હતી.
બંને શખ્સો સ્પામાંથી જતા રહ્યા બાદ થોડીવારે અન્ય બે શખ્સોને પોતાની સાથે લઇને સ્પામાં આવ્યા હતા. અમારો સોનાનો ચેન આપી દયો કહી પોલીસમાં ફરિયાદ કરવા ધમકી દીધી હતી. અને સ્પા બંધ કરાવવાની ધમકી દઇ રૂા.1.50 લાખની માગણી કરી હતી. ત્યાર બાદ અન્ય બે શખ્સો હાથમાં માઇક અને મોબાઇલ સાથે ઘસી આવી સ્પામાં વીડિયો શુટીંગ કરવાનું શરૂ કરી બંને શખ્સોએ મિડીયાના કર્મચારી હોવાની ઓખળ આપી સ્પા કાયદેસર છે કે કેમ તે અંગેના ડોકયુમેટ જોવા માગ્યા હતા. સ્પા સંચાલક સંજયભાઇ સ્પાના જરૂરી ડોક્યુમેટ બતાવ્યા હતા. તે દરમિયાન પોલીસમાં ફોન કરતા બંને શખ્સોએ વીડિયો શુટીંગ કરવાનું બંધ કરી દીધું હતું. મેટર પતાવવા સ્પા સંચાલકે રૂા.75 હજાર આપવાની તૈયારી બતાવી હતી આ રકમની વ્યવસ્થા કરવા દસેક દિવસનો સમય માગ્યો હતો.
સ્પામાં ઘુસેલા નકલી પત્રકારોએ વીડિયો વાયરલ ન કરવાના બદલામાં તાત્કાલીક રકમ માગી હતી. તે દરમિયાન ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોચી પાંચેય શખ્સોને પોલીસ મથકે લઇ જઇ પૂછપરછ કરતા રવિ, મયુર કાંતીલાલ પાણખાણીયા, ગૌતમ અશોક દેથરીયા, સંજય બાબુ મકવાણા અને સુરેશ જીવરાજ પાડલીયાની ધરપકડ કરી છે. તેઓએ અન્ય કયાં તોડ કર્યો છે તે અંગે પૂછપરછ હાથધરી છે.