Abtak Media Google News
  • સંત કબીર રોડ પર રહેતા ધો. 11ના વિદ્યાર્થી પાણી પીતી વેળાએ ઢળી પડતા મોત
  • બંગડી બજારમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પડી ગયાં બાદ સારવાર દરમિયાન હાર્ટ એટેકથી મોત
  • હનુમાનમઢી પાસે કલરકામના ધંધાર્થીનું ઘરે બેભાન થઇ ગયાં બાદ મોત નીપજતા 6 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ શહેરમા હૃદય થંભી જતાં મૃત્યુ થવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ત્યારે આ પ્રકારના પાંચ જેટલાં બનાવ સામે આવ્યા છે જેમાં એક કિશોર સહીત કુલ 5 લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા છે. એક વેપારીનું હાર્ટએટેકથી મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. જયારે ગોકુલધામ આવાસમાં બેભાન થઇ ગયાં બાદ પ્રૌઢનું મોત થયું છે, પોપટપરામા યુવક ઢળી પડતા જયારે સંત કબીર રોડ પર 17 વર્ષીય કિશોરનું અને હનુમાનમઢી પાસે 40 વર્ષીય યુવકનું હૃદય થંભી જતાં મોત નીપજ્યું છે.

Screenshot 1 2 પ્રથમ બનાવમાં શહેરના સંત કબીર રોડ પર ગોકુલનગર શેરી નંબર 7માં રહેતા અને લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતા હર્ષિલ કમલેશભાઈ ગોરી (ઉ.વ.17) કુવાડવા રોડ સ્થિત નવાગામ પંચાયત ઓફિસ સામે નારણજી ટ્રાન્સપોર્ટ ખાતે કાકાને મળવા ગયો હતો ત્યારે ગત રાત્રે આશરે 9 વાગ્યાં આસપાસ પાણી પિતા જમીન પર ઢળી પડતા તાતકાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે કિશોરને મૃત જાહેર કરતા એકમાં એક સંતાનના મોતથી પરીવારમાં અરેરાટી મચી જવા પામી છે.

બીજા બનાવમાં જાણવા મળ્યા મુજબ રૈયા રોડ પર કૈલાસ પાર્ક શેરી નં. 2 માં રહેતાં દિનેશભાઇ ગોપાલદાસ સામાણી (ઉ.વ.59) ગત સાંજે સાડા આઠેક વાગ્યે બંગડી બજારમાં ચાલીને જતાં હતાં ત્યારે કામ ચાલુ હોઇ ત્યાં નજીકમાં ખાડો હોઇ તેમાં પડી ગયા હતાં. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં તેમને બહાર કાઢ્યા હતાં. તેમને કાન પાસે થોડી ઇજા પહોંચી હતી. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પણ અહિ અચાનક હાર્ટએટેક આવી જતાં તેમના શ્વાસ થંભી ગયા હતાંં.

મૃત્યુ પામનાર દિનેશભાઇ સામાણી ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. તેઓ બંગડી બજારમાં જી. એમ. એન્ડ સન્સ નામે પ્રોવીઝન સ્ટોર ધરાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે.

ત્રીજા બનાવમાં ગોકુલધામ કવાર્ટરના પરેશભાઇ ત્રિવેદીનું પણ હાર્ટએટેકથી મોત નીપજ્યાનું સામે આવ્યું છે. ગોકુલધામ આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં પરેશભાઇ ગીરજાશંકર ત્રિવેદી (ઉ.વ.44) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર પરેશભાઇ અગાઉ કારખાનામાં કામ કરતાં હતાં. હાલમાં કામે જતાં નહોતાં. તે ત્રણ ભાઇમાં બીજા અને અપરિણીત હતાં. હાલ હાર્ટએટેક આવી ગયાની શકયતા જણાવાઇ હતી.

જયારે ચોથા બનાવમાં પોપટપરામાં રહેતા અશોકભાઈ સોમાભાઈ બારૈયા(ઉ.વ. 35) ઘરે જ બેભાન થઇ જતાં હોસ્પિટલે ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રનગર પોલોસે હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કર્યું છે.

અન્ય એક બનાવમાં શહેરના હનુમાનમઢી પાસે શિવપરામાં રહેતા મુકેશભાઈ નાથાભાઈ ફોરીયાતર(ઉ.વ.40) ગઈકાલે બપોરે ચારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક કલરકામનો વ્યવસાય કરતા હતા અને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે અને બે ભાઈમાં પોતે નાના હોવાનું જાણવા મળ્યું છે.

ટંકારામાં ક્રિકેટ રમી પરત ફરતા યુવકનું રસ્તામાં જ હાર્ટ એટેકથી મોત

Screenshot 2 1

હાર્ટ એટેકથી લોકોના મૃત્યુનો સિલસિલો હજુ યથાવત છે ત્યારે વધુ એક યુવકનું અચાનક આવેલ હાર્ટ એટેકથી મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ટંકારા તાલુકાના રાજાવડ ગામનો યુવક નાગડાવાસ ક્રિકેટ રમી પોતાના ગામ પરત ફરતો હોય ત્યારે રસ્તામાં તેમને છાતીમાં દુખાવો થતાં બેભાન થઇ જઈ મોતને ભેટ્યો હતો. ત્યારે યુવકના અચાનક મોતથી પરિવારજનો તથા નાના એવા રાજાવડ ગામમાં શોક છવાય જવા પામ્યો હતો. અકાળે મોતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના રાજાવડ ગામે રહેતા રમેશભાઇ જેસંગભાઇ બાલાસરા ઉ. વ.38 ગઈ તા. 1 મેના રોજ નાગડાવાસ ગામે ક્રિકેટ રમવા ગયેલ હતા. ત્યારે ક્રિકેટ રમીને નાગડાવાસથી રાજાવડ આવતા હતા જ્યાં વચ્ચે રસ્તામા વિરપર ગામ નજીક પહોચતા રમેશભાઈને છાતીમા એકદમ દુખાવો થવા લગતા બેભાન થઇ ઢળી પડી ગયા હતા. જ્યાંથી રમેશભાઈને બેભાન હાલતમાં ટંકારા સરકારી હોસ્પિટલ લાવતા જ્યાં ફરજ પર હાજર તબીબે રમેશભાઈને જોઈ તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.