- ત્રણ પ્રૌઢ,મહિલા અને યુવાનના મોતથી પરિવારોમાં ગમગીની વ્યાપી
સૌરાષ્ટ્રમાં ભીસણ ગરમીના કારણે હાર્ટ અટેકના બનાવોમાં પણ વધારો નોંધાયો છે. ત્યારે ગત 24 કલાકમાં હાર્ટઅટેકથી બે યુવાન,ત્રણ પ્રૌઢ અને એક મહિલાનું મૃત્યુ થયું છે. મૃતકના પરિવારજનોમાં ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યુ છે.
હાર્ટ અટેકના આ બનાવમાં સાત વિગત મુજબ મોરબીના ખાનપરના વતની અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલ કુમાર જીવણભાઈ ડાવેરા નામના 29 વર્ષીય યુવાનને ગત સોમવારના છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર કારગત નિવડતા યુવાને દમ તોડયો. મૃતક દ્વારકાના સલાયા ગામે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને બનાવના બે દિવસ પૂર્વે પોતાના વતન ખાનપુર ગામે ગયો હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે રાજકોટના સંત કબીર રોડ ભગીરથ સોસાયટીમાં રહેતા ભરતભાઈ ચીમનભાઈ ત્રિવેદી નામના 52 વર્ષીય પ્રૌઢને ગત રાત્રે ઘરે અચાનક બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં સારવાર લીધા પૂર્વે જ અહીંના તબીબોએ પ્રૌઢને મૃત જાહેર કર્યા હતા. મૃતક બે ભાઈ માં મોટા અને કારખાનામાં કામ કરતા, સાથે જ ગાયક કલાકાર તરીકે કાર્યક્રમમાં ધૂન ભજન ગાવા જતા હતા. પ્રૌઢના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો છે.
જ્યારે હાર્ટ અટેકના આ બનાવમાં પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ ઉપર રાજલક્ષ્મી પેલેસમાં રહેતા ભાનુબેન મુકેશભાઈ સોલંકી નામના 48 વર્ષીય પ્રૌઢા રાત્રે બેભાન થઈ જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જે ચાલુ સારવારમાં પ્રૌઢનું મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે. મહિલાના મોતથી એક પુત્ર અને એક પુત્રીએ માતાનું છત્ર ગુમાવ્યું છે.
જ્યારે શહેરના કોઠારીયા રોડ નજીક મેહુલ નગરમાં રહેતા દેવેનભાઈ દિલીપભાઈ ઝિંઝુવાડીયા નામના 49 વર્ષીય પ્રૌઢનું હૃદય બેસી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈમાં મોટા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું તેમજ પોતે સોની કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
વધુ એક આશાસ્પદ યુવાનનું હૃદય બેસી ગયું
પોલીસ ભરતીની તૈયારી કરતા યુવક રનીંગ કરી ઘરે આવ્યા બાદ હાર્ટ એટેક જીવલેણ
શહેરના મવડી મેઇન રોડ, શ્રીનાથજી સોસાયટી શેરી નં. 3માં રહેતા વિશાલભાઈ અશોકભાઈ કોબીયા નામના 26 વર્ષીય યુવકનું હદય થંભી જવાથી મોત નિપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વિશાલ કોબિયા ઘણા વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો હતો.જેથી વહેલી સવારે દોડવા ગયેલો બાદ ઘરે આવતા યુવાનનું હદય બેસી ગયું હતું સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો જ્યાં ચાલુ સારવારમાં યુવકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયા નગર પોલીસની જાણ કરી. પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી ધોરણસરની તપાસ હાથધરી છે. મૃતક યુવાન 2 ભાઇમાં મોટો હતો અને તે અપરણીત છે.જુવાનજ્યોત પુત્રના મૃત્યુથી પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો છે.