લીંબડી ખાતે જૂની અદાવતમાં ખેલાયેલા ધીંગાણામાં બન્ને પક્ષે મળી ૧૫ શખ્સો સામે ગુનો નોંધાયો હતો: ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નિપજયું હતું
લીંબડીની લેકવ્યુ બજારમાં આઠ વર્ષ પૂર્વે જૂની અદાવતમાં ખેલાયેલા ધીંગાણામાં ભુપી રાણાની હત્યા થયેલી જયારે સામાપક્ષે હત્યાની કોશીષનો ગુનો નોંધાયેલો જે ગુનાનો કેસ લીંબડીની અદાલતમાં ચાલી જતાં ન્યાયધીશે હત્યા અને હત્યાની કોશીષના ગુનામાં સંડોવાયેલા શખ્સોને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. જયારે ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નિપજયું હતું.
વધુ વિગત મુજબ લીંબડી તાલુકાના સૌકા ગામે રહેતા ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી મહાવીરસિંહ રાણા અને લીંબડી ખાતે રહેતા રઘુવીરસિંહ વિક્રમસિંહ જાડેજા વચ્ચે જમીન અને દારૂના વેંચાણ સંદર્ભે ચાલી આવતી અદાવતના કારણે બન્ને વચ્ચે લીંબડી ખાતે તા.૫-૨-૧૦ના રોજ બન્ને પક્ષે ખેલાયેલા ધીંગાણામાં ભુપી ઉર્ફે ભુપેન્દ્રસિંહ રાણાની હત્યા થયેલી જયારે સામાપણે હત્યાની કોશીષનો ગુનો નોંધી પોલીસે બન્ને પક્ષે મળી ૧૫ શખ્સોની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલહવાલે કર્યા હતા. જે બન્ને ગુનાની ચાર્જશીટ અદાલતમાં રજૂ થતાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે કેસમાં બન્ને પક્ષોની ધારદાર રજૂઆત અને દસ્તાવેજી પુરાવા તેમજ તબીબી અને તપાસનીશ અધિકારીઓની જુબાની પૂર્ણ થતાં બચાવ પક્ષોની દલીલ અને વિવિધ હાઈકોર્ટના ચુકાદા તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદા અધિક સેશન્સ જજ એચ.જી.વાઘેલાએ નરેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા, વિક્રમસિંહ જોરૂભા જાડેજા અને વિજય ભીખા જાદવને જયારે સામાપક્ષે હત્યાની કોશીષ ગુનામાં રહેલા ૧૦ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. જયારે ચાલુ ટ્રાયલ દરમિયાન રઘુવીરસિંહ વિક્રમસિંહ જાડેજાનું મોત નિપજયું હતું. આ કેસમાં વિક્રમસિંહ જોરૂભા વતી સીનીયર એડવોકેટ તરીકે લલીત સી.શાહી, કુણાલ શાહી, ભુવનેશ શાહી, સી.એમ.દક્ષીણી, યોગેશ બારોટ, હિતેશ ગોહેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, નિશાંત જોશી, મનીષ ગુ‚ અને પાર્થ ચૌહાણ સહિતનાઓ રોકાયા હતા.