રાજય સરકાર આગામી ૩૦ વર્ષોના આગોતરા  આયોજન સાથે કામ કરી રહી છે: “સ્માર્ટ સિટી પ્રોજેકટ અન્વયે રૂ.૨ હજાર કરોડના કામોની સત્વરે અમલવારીની મુખ્યમંત્રીની ખાતરી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શનિવારે રાજકોટ ખાતે રૂ. ૨૯૯.૪૪ કરોડના વિકાસકામોના ગણેશ કરાવ્યા હતા, અને શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહેરીજનોને અભયવચન આપતાં કહયું હતું કે, પૈસાના અભાવે રાજયના એક પણ વિકાસ કામ અટકશે નહિં.

રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજય સરકારની દૂરંદેશિતા પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, સરકાર આગામી ૩૦ વર્ષોના આગોતરા આયોજન સાથે કામ કરી રહી છે, જેથી રાજયના નાગરિકોને સુવિધાસભર જીવન આપી શકાય, અને રાજયનો સુખાકારી સૂચકાંક (હેપ્પીનેસ ઇન્ડેકસ) ઉચ્ચતમ શિખરો સર કરી શકે.

દુનિયાના નકશામાં રાજકોટ અગ્રેસર બને તે માટે સ્માર્ટ સિટી પ્રોજેકટ અન્વયે રૂ. ૨ હજાર કરોડના કામોની સત્વરે અમલવારીની મુખ્યમંત્રીએ  ખાતરી ઉચ્ચારી હતી. અને જાહેરાત કરી હતી કે નજીકના ભવિષ્યમાં શહેરમાં નવા પાંચ બ્રીજ બનાવવામાં આવશે, જેની વહીવટી પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. ઉપસ્થિત જનતાએ આ જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

રાજકોટ ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત સમયે મુખ્યમંત્રીએ રાજકોટ સાથેના તેમના સંસ્મરણો તાજા કર્યા હતા.  અને આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું હતું કે ૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના સમયે બનેલા રેસકોર્સ ઉપરાંત, રાજય સરકાર ૨૦૧૯માં નવું રેસકોર્સ બનાવી રહી છે, તે રાજકોટવાસીઓની સુખાકારી માટે રાજય સરકારે સેવેલી ખેવનાનું પ્રતિબિંબ છે.

સુવિધાસભર જીવનશૈલી માટે જનતા જયારે શહેરોની પસંદગી કરી રહી છે ત્યારે રાજકોટ સહિત રાજયભરના શહેરોમાં ઘરે-ઘર નળ હોય તેવું ગુજરાત દેશનું પ્રથમ રાજય બનશે, એવો આશાવાદ પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે વ્યકત કર્યો હતો.

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અટલ સરોવરના નિર્મણની ટેકનિકલ બાબતો પર પ્રકાશ પાડતાં કહયું હતું કે, ટર્શરી ટ્રીટમેન્ટથી  આવનારા દિવસોમાં પાણી ન હોય તો પણ અટલ સરોવરમાં પાણી ભરેલું જ રહેશે, જેનાથી આસપાસના વિસ્તારોને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

દિવસમાં ૧૮ વખત ટ્રેઇન પસાર થતી હોય તેવા આમ્રપાલી ફાટકની ટ્રાફિકની સમસ્યાનો અંડરબ્રીજ બનવાથી ત્વરિત નિકાલ આવશે, એવી લાગણી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રજૂ કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના કાર્યકાળમાં રાજકોટ શહેરને સાંપડેલી  એઇમ્સ, જી.આઇ.ડી.સી., એરપોર્ટ, બસસ્ટેન્ડ, રેસકોર્સ, કોર્ટ વગેરેના નવા બિલ્ડીંગની સુવિધાઓનો ઉલ્લેખ કરી રાજકોટની જનતાને આ સુવિધાઓનો ઉપયોગ કરી વિકાસની રાહ પર અગ્રેસર થવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા.

સભાસ્થળે આવતાં પહેલાં મુખ્યમંત્રી વિજયભાઇએ અટલ સરોવરની મુલાકાત લીધી હતી. નવા રેસકોર્સ ખાતે રૂ. ૧૩૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ વિકાસકામો જેવા કે ગાર્ડન, ટોય ટ્રેઇન, ફુડ કોર્ટ, ગ્રામ હાટ, એમ્ફી થીયેટર, વગેરેનું નિરીક્ષણ કર્યું હતું. તથા અટલ સરોવર ખાતે ખાતમુહૂર્ત કર્યું હતું. સિવિલ હોસ્પિટલ ચોક ખાતે રૂા. ૮૪.૭૧ કરોડના ખર્ચે સાકાર થનાર થ્રી આર્મ  ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત તથા આમ્રપાલી સર્કલ પાસે રૈયા રોડ ખાતે રૂ. ૨૫.૫૪ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થનાર રેલ્વે અન્ડર બ્રીજનું પણ મુખ્યમંત્રીએ ખાત મુહૂર્ત કર્યું હતું.

20191109170449 IMG 6219

મ્યુનિ-કમિ. ઉદિત અગ્રવાલે આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, જયારે કાર્યકારી મેયર અશ્વિનભાઇ મોલિયાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં અમલી બનાવાયેલા વિવિધ વિકાસકામોની રૂપરેખા આપી હતી. સ્ટેન્ડીંગ  કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડે મુખ્યમંત્રીના હસ્તે આજે આરંભ કરાયેલા વિવિધ વિકાસકામોની આંકડાકીય માહિતી આલેખી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇએ જયપ્રકાશભાઇ જોષી તથા ડાયાભાઇ ડેલાવાળાના ધર્મપત્નીના  નિધન પ્રસંગે તેમના પરિજનોને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રી વિજયભાઇએ બોચાસણવાસી અક્ષર પૂરૂષોત્તમ સંસ્થાના મહંત મહંતસ્વામીના દર્શન કરી તેમના આશીર્વાદ ગ્રહણ  કર્યા હતા.

20191109170419 IMG 6218

આ કાર્યક્રમમાં મ્યુનિ.ફાઇ.બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા તથા  અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણી, અગ્રણી રાજુભાઇ ધૃવ, શ્રીમતિ અંજલિબેન રૂપાણી, તથા નીતિનભાઇ ભારદ્વાજ, પોલિસ કમિ. મનોજ અગ્રવાલ, કલેક્ટર રેમ્યા મોહન, રેલ્વેના ડીવિઝનલ મેનેજર પરમેશ્વર ફૂંકવાલ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.