પ્રજ્ઞા નામની માદાએ પાંચ તંદુરસ્ત બચ્ચાને જન્મ આપતા ઝૂમાં વરૂની સંખ્યામાં વધારો
વરૂ બ્રિડિંગ સેન્ટરના તબીબોની સફળતા
જૂનાગઢ સકકરબાગ ઝુમાં કાર્યરત ગ્રે વુલ્ફના બ્રિડિંગ સેન્ટરમાં ગઈકાલે સારા સમાચાર આવ્યા હતા અહીંની એક પ્રજ્ઞા નામની માદા વરૂએ એક સાથે પાંચ તંદુરસ્ત બચ્ચાને જન્મ આપતા સેન્ટરમાં ખુશીની લહેર પ્રસરી છે.
સી.સીએફ ડો. દુષ્યંત વસાવડા જણાવે છે કે સકકરબાગ ઝુમાં સિંહ ચિંકારા સક્કરબાગ ઝૂમાં પ્રજ્ઞા નામની વરૂએ મંગળવારે ૫ બચ્ચાને જન્મ આપ્યો છે. બચ્ચાને જન્મ આપનાર પ્રજ્ઞાના ખોરાકમાં વધારો કરાયો છે. સાથો સાથ સીસીટીવી કેમેરા હેઠળ દેખરેખ રાખવામાં આવી રહી છે.જૂનાગઢ સક્કરબાગ ઝૂ એ નવાબના સમયનું અને ભારતનું સૌથી જુનુ ઝૂ છે. અહીં દરવર્ષે લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી પ્રવાસીઓ મુલાકાતે આવે છે. આ મુલાકાતીઓ માટે ઝૂમાં રાખવામાં આવેલ સિંહ, વાઘ, દિપડા, બાયસન, સફેદ વાઘ, હિપોપોટેમસ, હરણ, વરૂ તેમજ વિવિધ દેશ વિદેશના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સેન્ટ્રલ ઝૂ ઓર્થોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વિવિધ પ્રાણી-પક્ષીઓને સક્કરબાગ ઝૂમાં લાવવામાં આવે છે. ત્યારે વર્ષ ૨૦૧૫-૧૬માં જોધપુર, જયપુર અને મૈસુર ઝૂમાંથી ૬ વરૂને લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના સંવર્ધન કેન્દ્રની શરૂઆત કરતા સંવર્ધન કેન્દ્ર સફળ થતા વરૂની સંખ્યામાં વધારો થયો છે અને વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૪ જેટલા વરૂના બચ્ચાનો સક્કરબાગ ઝૂમાં જન્મ થયો છે. મંગળવારના રોજ સક્કરબાગ ઝૂમાં પ્રગ્યા નામની વરૂએ ૫ બચ્ચાને જન્મ આપ્યો છે. આથી સક્કરબાગ ઝૂમાં વરૂની સંખ્યામાં વધારો થયો છે. બચ્ચાને જન્મ આપનાર પ્રગ્યા વરૂની ખાસ દેખરેખ માટે સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને તેમના ખોરાકમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.