શહેરમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ જંગ જીત્યા : ૫૩ લોકો સાજા થયા

એક મનહર પ્લોટ અને આઠ જંગલેશ્વરના દર્દીઓ હાલ આઇસોલેસન વોર્ડમાં સારવારમાં

જિલ્લામાં અત્યાર સુધી ૨૪૧૨ લોકો આવ્યા અને ૫૬૯૬ લોકો વતન ગયા

દુનિયાભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પોઝિટિવ કેસોમાં વાયુવેગે પ્રસરી રહ્યા છે ત્યારે રાજ્યમાં ગત તા.૧૮મી માર્ચના રોજ સૌપ્રથમ રાજકોટમાં મક્કાથી આવેલા જંગલેશ્વરના યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ત્યાર બાદ ગુજરાતમાં કોરોના વાયરસનો રાફડો ફાટ્યો છે. પરંતુ રાજકોટમાં આરોગ્ય વિભાગની મહેનત અને કોરોના સામે લડતા યોદ્ધાઓની જહેમતથી ઝડપથી સ્પેર્ડ થતા અટકવામાં સફળતા મળી છે. રાજકોટના શહેરી વિસ્તારમાં અત્યાર સુધી ૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે દર્દીઓના મોત પણ નિપજ્યા છે. પરંતુ રિકવરી રેસ્યો પણ વધ્યો છે જેથી ગઈ કાલે વધુ પાંચ પોઝિટિવ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. અને અત્યાર સુધી ૫૩ લોકોએ કોરોના સામેની જંગ જીતી છે. અને રાજ્યમાંથી અને બહાર થી અત્યાર સુધી ૨૪૧૨ લોકો પ્રવેશ્યા છે અને ૫૬૯૬ લોકો વતન પરત ગયા છે. હાલ આઇશોલેસન વોર્ડમાં નવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

કોરોના કોવિડ ૧૯ વાયરસ મહામારીમાં રાજ્યમાં હજારો લોકોને ઝપેટમાં લીધા છે. રાજ્યમાં અત્યાર સુધી ૮૯૦૪ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૫૩૭ દર્દીઓના મોત નિપજ્યા છે. ત્યારે રાજ્યમાં સૌપ્રથમ ગત તા.૧૮મી માર્ચના રાજકોટમાં મક્કાથી આવેલા યુવાનને કોરોના પોઝિટિવ મેસ નોંધાયો હતો. પરંતુ આરોગ્ય વિભાગ અને તબીબોની સારવાર બાદ તેને પણ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ઘર વાપસી કરી હતી.

રાજકોટ શહેર વિસ્તારમાં અત્યાર સુધી સૌથી વધુ જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી શહેરમાં ૩૨૬૭ સેમ્પલના ટેસ્ટ કરાવ્યા છે જેમાંથી ૩૨૦૪ નેગેટિવ અને ૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી ૯૦ ટકા કેસ માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી જ નોંધાયા છે. ત્યારે રાજકોટ પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાં તબીબોના સ્ટાફ દ્વારા પારિવારિક  વ્યવહાર અને સચોટ સારવારથી ૬૩ માંથી ૫૩ દર્દીઓ સાજા થઈ કોરોના સામેની જંગ જીતી છે.

ગઈ કાલે સિવિલ હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાંથી વધુ પાંચ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેમાં જંગલેશ્વર વિસ્તારના ૫૦વર્ષના મહિલા, ૫૫ વર્ષના પુરુષ, ૬૮ વર્ષના વૃદ્ધા, શિયાણીનગરના ૪૭વર્ષના પુરુષ અને ભવાનીચોકના ૪૨ વર્ષના મહિલાના ગઈ કાલે કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તમામને આઇશોલેસન વોર્ડમાંથી રજા આપવામાં આવી હતી.

હાલ કોરોનાના પોઝિટિવ એટલે કે એક્ટિવ ૯ લોકો આઇશોલેસન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. જેમાંથી આઠ દર્દીઓ જંગલેશ્વર વિસ્તારના અને એક મનહર પ્લોટના યુવાન હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં નોંધાયેલા ૬૩ પોઝિટિવ કેસ માંથી ૫૩ લોકો સાજા થઈ ઘરવાપસી કરી ચુક્યા છે.

લોકડાઉનના ત્રીજા તબક્કામાં પરપ્રાંતીય લોકોએ પોતાના વતન પરત જવા માટે ઈચ્છા દર્શાવતા તેઓને પરત મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એ જ રીતે અન્ય શહેરમાં ફસાયેલા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો પરત આવી રહ્યા છે. જેમાં અન્ય શહેર અને જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી ૨૪૧૨ લોકો પરત આવ્યા છે. જે તમામ લોકોનું ચેકપોસ્ટ પરજ સ્ક્રિનિંગ કરી તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાંથી અત્યાર સુધી ૫૭૦૦ જેટલા લોકો પોતાને વતન પરત ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.