સામુ જોવા જેવી સામાન્ય બાબતે છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની કબુલાત: માતા અને પુત્રી બાદ પિતા-પુત્ર બાદ વધુ પાંચ ઝડપાતા ધરપકડ આંક નવ થયો
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા નાણાવટી ચોક નજીક આવાસ યોજનાના કવાર્ટરમાં સામુ જોવા જેવી સામાન્ય બાબતે બે દિવસ પહેલાં પાડોશી પરિવારમાં થયેલા ઝઘડામાં ઘવાયેલી મુસ્લિમ મહિલાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. પોલીસે હત્યાના ગુનામાં યુનિર્વસિટી પોલીસે માતા-પુત્રી બાદ પિતા-પુત્રની ધરપકડ કરી છે ત્યારબાદ ત્રણ મહિલા સહિત વધુ પાંચ શખ્સોનાં નામ ખુલતા પોલીસે તેમની પણ ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાણાવટી ચોક નજીક આવેલા આવાસ યોજનાના કવાર્ટર નંબર ૨૭૭ નંબરના કવાર્ટરમાં રહેતી શબાનાબેન ફિરોજભાઇ અને તેમના જેઠાણી મુમતાઝબેન હનિફભાઇ જુણેજા પર તેના પાડોશમાં રહેતા હુસેનભાઇ તેની પત્ની જીન્નતબેન તેના પુત્ર સદામ અને પુત્રી નાઝીમે છરી,પાઇપ અને કુકરના ઠાકણાથી માર મારતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં ગંભીર રીતે ઘવાયેલા મુમતાઝબેન જુણેજાનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે જીન્નતબેન હુસેન અને તેની પુત્રી નાઝમી હુસેનની પોલીસે ધરપકડ કર્યા બાદ હુસેન ઉર્ફે ઢીંકી કાસમ મંગળીયા અને તેના પુત્ર સદામ હુસેન મંગલીયાની યુનિર્વસિટી પી.આઇ. ઠાકર, પી.એસ.આઇ. રબારી અને રાજેશભાઇ મિયાત્રા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.
પોલીસ તપાસ દરમિયાન હત્યાનાં બનાવમાં વધુ પાંચ શખ્સોની સંડોવણી હોવાનું ખુલતા યુનિવર્સિટી પોલીસ મથકનાં સ્ટાફે જીન્નત હુસેન, કાસમ મંગળીયા, નાઝમી ઉર્ફે નાઝુ હુસેન મંગળીયા, ફિઝા હુસેન મંગળીયા, જયેન્દ્ર ઉર્ફે જીગો દિલીપ ભટ્ટી અને મિલન કિરીટ ડાભીનાં નામ ખુલતા પોલીસે તેમની પણ ધરપકડ કરતા કુલ નવ આરોપીની હત્યામાં સંડોવણી હોવાનું ખુલ્યું છે.
પ્રથમ લોક ડાઉન દરમિયાન શબ્બાનાબેન અને મુમતાઝબેન સાથે પાડોશમાં રહેતા સદામને સામુ જોવા બાબતે ઝઘડો થયો હતો પરંતુ પોલીસ સ્ટાફ લોક ડાઉનના બંદોબસ્તમાં હોવાથી પોલીસે ફરિયાદ નોંધવાનું ટાળ્યું હોવાથી બંને પરિવાર વચ્ચે અવાર નવાર રકઝક ચાલતી હોવાથી બે દિવસ પહેલાં શબ્બાનાબેન રેકડીએ શાકભાજી લેતા હતા ત્યારે ફરી ઝઘડો કરી હુસેન તેની પત્ની જીન્નત, પુત્ર શદામ અને પુત્રી નાઝમીન માર મારતા હોવાથી તેને બચાવવા મુમતઝબેન વચ્ચે પડતા સદામે છરીનો એક ઘા પડખામાં મારી દીધો હતો અને નાઝમીને નાક પર કુકરનું ઢાંકણું મારતા ગંભીર રીતે ઘવાયા હતા તેમનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. હત્યાના ગુનામાં એક જ પરિવારના ચારેયની ધરપકડ થઇ છે.