ભોજનની પાર્ટી વેળાએ ચેકીંગથી નાશભાગ: બહારના છ શખ્સોને બહાર કર્યા: ૧૧ શખ્સો સામે નોંધાતો ગુનો
ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલી સબ જેલમાં રાજયના જેલ વડાની સ્કોડ દ્વારા મંગળવારે રાત્રે ઝડતી કરવામાં આવતા પાંચ મોબાઇલ અને ઇન્ટરનેટનું એક ડોગલ બિનવારસી મળી આવ્યા હતા જયારે બહારના છ શખ્સોને નશાડી દેવામાં આવ્યા છે. આ બનાવની સીટી પોલીસ મથકમાં પાંચ ગુન્હેગારો અને બહારના છ શખ્સો મળી ૧૧ શખ્સો સામે ગુનો નોંધી અને સીસી ટીવી ના આધારે તપાસનો ધમધમાટ આદર્યો છે.
પોલીસમાંથી વિગત મુજબ રાજયની જેલોમાં લાલીયા વાડી ચાલતી હોવાની જેલ વડા કે.એલ.એન. રાવ ના ઘ્યાને આવતા જેલોમાં ચેકીંગ હાથ ધરવા આપેલી સુચના પગલે જેલ વડાની સ્કવોડની ટીમ દ્વારા ગોંડલ સબ જેલમાં જેલર દેવશીભાઇ કરંગીયા સહીતની ટીમ દ્વારા રાત્રે ચેકીંગ હાથ ધર્યુ હતું.
ચેકીંગ દરમ્યાન પાંચ ગુન્હેગારો વિડીયો કોન્ફરન્સ રૂમમાં મિત્રો સાથે બેઠા હતા અને જેમાં એક કેદી તો મોબાઇલ પર વાતચીત કરતો રંગે હાથે પકડાયો હતો.
ચેકીંગ દરમિયાન નાશ ભાગ મચી ગયો હતો અને બહારથી જેલમાં આવેલા છ લોકો ને ભગાડી દેવામાં આવ્યા જયારે પાંચ કેદી સાથે ભોજન કરતા હોવાનું બહાર આવ્યું છે. નાશભાગ દરમ્યાન કેદીઓએ મોબાઇલ ફેંકી દીધા હતા. ચેકીંગ ટીમ દરમ્યાન પાંચ મોબાઇલ અને રૂ. ૧પ હજાર રોકડા મળી આવતા ચેકીંગ ટીમ દ્વારા ગોંડલ સીટી પોલીસ મથકમાં ૧૧ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેલના નિયમ મુજબ સાંજે સાત કલાકે જેલના મુખ્ય ગેટ બંધ થઇ ગયા છે. પરંતુ ગેરકાયદે જેલ ગેટ ખોલવામાં આવ્યો હતો. ચેકીંગ ટીમ જેલમાં અંદર પ્રવેશ્યા બાદ ગેટ બંધ કરવામાં આવ્યા બાદ છ લોકોને હવાલદારે ફરીથી ગેટ ખોલી ભગાડી દેવામાં આવ્યો છે.
જેલમાં પ્રતિબંધત વસ્તુ કોના આશીર્વાદથી અંદર આવી તેમજ બહાર ભગાડવામાં આવેલા શખ્સોને કોની મદદ મળી જે મામલાની સીસી ટીવી કુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો છે.