નાગરિકતા સંશોધન વિધેયક (CAA)ના સમર્થનમાં પંચમહાલ ડેરીના સદસ્યો તથા પંચમહાલની વિવિધ સંસ્થાઓ, કાર્યકરો દ્વારા લિખિત ૨,૬૨,૦૦૦ જેટલા પોસ્ટ કાર્ડસ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં દિલ્હી મોકલવામાં આવ્યાં હતા. ભાજપા ધારાસભ્ય તથા પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડ તથા વિવિધ સંસ્થાના અગેવાનોએ ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ૨,૬૨,૦૦૦ પોસ્ટ કાર્ડસ ભાજપા અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીને સુપ્રત કર્યા હતાં. ભાજપા અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા દેશહિતના એક પછી એક નિર્ણયો લેવાઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને ડાબેરીઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે દેશહિત અને પ્રજાહિત માટે લેવાયેલા નિર્ણયોનો પણ વિરોધ કરે અને દેશનું પ્રગતિમય વાતાવરણ ડહોળવાના પ્રયાસો કરે તે નિંદનીય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સંસદની ચર્ચાઓમાં તથા અનેક જાહેર કાર્યક્રમોમાં અવાર નવાર કહ્યું છે કે, સીએએ કાયદો એ કોઇની નાગરિકતા છીનવવા માટેનો કાયદો નથી પરંતુ નાગરિકતા આપવા માટેનો કાયદો છે. કોંગ્રેસ દ્વારા ભ્રામક જુઠાણાઓ ફેલાવી દેશના લોકોને ગેરમાર્ગે દોરવાના નિમ્ન પ્રયાસો કરવામાં આવે છે. તેની સામે દેશભરમાંથી લાખો લોકો સીએએના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને પત્રો લખી રહ્યા છે. જે કોંગ્રેસના જુઠાણાઓને જનતાનો જડબાતોડ જવાબ છે. ગુજરાતમાંથી પણ અગાઉ અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં સીએએના સમર્થનમાં પાંચ લાખ પોસ્ટ કાર્ડસ મોકલી વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો તે જ રીતે આજે પણ ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડની આગેવાની હેઠળની પંચમહાલની વિવિધ સંસ્થાઓએ સીએએના સમર્થનમાં ૨,૬૨,૦૦૦ જેટલા પોસ્ટ કાર્ડસ લખી રાષ્ટ્ર હિતના યજ્ઞમાં પોતાની આહુતી અર્પણ કરી છે.