જે જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા છે તેને ચારે દિશાથી ઘેરીને સેના દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે ઓપરેશન
અબતક, નવી દિલ્હી : જમ્મુ -કાશ્મીરમાં આતંકીઓનો ખાત્મો બોલાવવા સેનાએ હાથ ધરેલા ઓપરેશનમાં દુઃખદ ઘટના બની છે. જમ્મુના પૂંછ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં સેનાના 5 જવાનો શહીદ થયા છે.
જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકીઓની કાયરતાવાળી હરકતો સામે આવી રહી છે. આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવી રહ્યા છે. દરમિયાન, સોમવારે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં સેનાના 5 જવાન શહીદ થયા છે. જમ્મુના પૂંછ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં સેનાના ચાર જવાન અને એક JCO શહીદ થયા છે.
પૂંછના સુરનકોટ વિસ્તારમાં અથડામણ થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે પાંચ જવાન એન્કાઉન્ટર દરમિયાન ખરાબ રીતે ઘાયલ થયા હતા અને બાદમાં શહીદ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પૂંછ જિલ્લાના ચમેર જંગલમાં આતંકવાદીઓના છુપાયેલા હોવાની માહિતી મળી હતી. એજન્સીઓ મોગલ રોડ નજીક ચેમેર મારફતે આતંકવાદીઓની ઘૂસણખોરીનું ઇનપુટ પ્રાપ્ત થયું હતું. આ પછી, સુરક્ષા દળોએ અહીં ઓપરેશન હાથ ધર્યું. સવારથી જ અહીં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી.
મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને આતંકીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જંગલમાં છૂપાયેલા ત્રણથી ચાર આતંકવાદીઓ હોવાની સંભાવના છે. એન્કાઉન્ટર દરમિયાન જ સેનાના ચાર જવાનો અને એક JCO ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં તમામ પાંચ જવાન શહીદ થયા હતા.